ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગલાતીઓને પત્ર 6

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તેઓ નમ્રભાવે તેને સાચા માર્ગે પાછો લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.
2તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનાં નિયમનું સંપૂર્ણ પાલન કરો.
3કેમ કે જયારે કોઈ પોતે નજીવો હોવા છતાં, હું મોટો છું, એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે.
4દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજાકોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.
5કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.
6સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો.
7યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે;
8કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.
9તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો યોગ્ય સમયે લણીશું.
10એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.
11જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું.
12જેઓ દેહ વિષે પોતાને જેટલાં સારા બતાવવા ચાહે છે, તેટલાં ખ્રિસ્તનાં વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરવાની ફરજ પાડે છે.
13કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમશાસ્ત્રને પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્નત થાય એવો આગ્રહ રાખે છે.
14પણ એવું ન થાઓ કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભ વગર હું બીજા કશામાં અભિમાન કરું, જેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત માટે હું.
15કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે.
16જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો.
17હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે.
18ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.