ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

એઝરા 7

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1આ બાબતો પછી, આર્તાહશાસ્તા રાજાના શાસન દરમિયાન સરાયાનો પુત્ર એઝરા, હિલ્કિયાના પુત્ર, અઝાર્યા,
2શાલ્લુમ, સાદોક, અહિટૂબ,
3અમાર્યા, અઝાર્યા, મરાયોથ,
4ઝરાહયા, ઉઝઝી, બુક્કી,
5અબીશૂઆ, ફીનહાસ, એલાઝાર તથા મુખ્ય યાજક હારુન.
6એઝરા બાબિલથી ત્યાં આવ્યો. ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો. તેના પર યહોવાહની કૃપાદ્રષ્ટિ હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી.
7ઇઝરાયલી વંશજોમાંના કેટલાક યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો તથા ભક્તિસ્થાનના, સેવકોની સાથે, આર્તાહશાસ્તા રાજાના શાસનના સાતમા વર્ષના પાંચમા માસમાં એઝરા યરૂશાલેમ ગયો.
8તે પોતાના ઈશ્વરની કૃપાથી પાંચમાં માસના પ્રથમ દિવસે યરુશાલેમ આવી પહોંચ્યો.
9એઝરાએ પ્રથમ માસના પ્રથમ દિવસે બાબિલથી ઊપડવાનું નક્કી કર્યુ હતું, અને પાંચમાં માસના પ્રથમ દિવસે યરુશાલેમ આવી પહોંચ્યો. ઈશ્વરનો પ્રેમાળ હાથ તેના પર હતો.
10એઝરાએ પોતાનું મન યહોવાહના નિયમોનો અભ્યાસ કરવામાં, તેને પાળવામાં તથા વિધિઓ અને હુકમો શીખવવામાં લગાડ્યું.
11એઝરા યાજક યહોવાહની આજ્ઞાઓનો તથા ઇઝરાયલીઓને આપેલા પ્રભુના વિધિઓનો શાસ્ત્રી હતો, તેને જે પત્ર આર્તાહશાસ્તા રાજાએ આપ્યો હતો તેની નકલ આ મુજબ છે;
12“સ્વર્ગના ઈશ્વરના નિયમશાસ્ત્રના શાસ્ત્રી એઝરા યાજકને રાજાધિરાજ આર્તાહશાસ્તા તરફથી કુશળતા આપવામાં આવી છે વળી;
13હું એવો હુકમ ફરમાવું છું કે મારા રાજ્યમાંના ઇઝરાયલી લોકોમાંના તેઓના યાજકો તથા લેવીઓ, જે કોઈ પોતાની રાજીખુશીથી યરુશાલેમ જવા ઇચ્છે, તેઓ તારી સાથે આવે.
14હું રાજા તથા મારા સાત સલાહકારો તને એ માટે મોકલીએ છીએ કે તારા હાથમાં ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર તારી પાસે છે તે પ્રમાણે યહૂદિયામાં અને યરુશાલેમમાં તેના સંબંધી તું તપાસ કર.
15અને યરુશાલેમમાં ઇઝરાયલના ઈશ્વરનું જે નિવાસસ્થાન છે તેને માટે ચાંદી અને સોનું અર્પણને માટે લઈ જવું.
16તે ઉપરાંત બાબિલના સર્વ રાજ્યોમાંથી યરુશાલેમના ઈશ્વરના ભક્તિસ્થાન માટે ચાંદી તથા સોનું ઐચ્છિકાર્પણો તરીકે યહૂદીઓએ અને તેઓના યાજકોએ લઈ જવાં.
17અને એ નાણાથી બળદો, ઘેટાં, હલવાન, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ખરીદીને યરુશાલેમમાં તમારા ઈશ્વરના સભાસ્થાનની વેદી પર તેઓનું અર્પણ કરવામાં આવે.
18તેમાંથી જે સોનું, ચાંદી વધે તેનો ઉપયોગ તમારા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અને તને તથા તારા ભાઈઓને યોગ્ય લાગે તે રીતે કરવો.
19જે પાત્રો તારા ઈશ્વરના સભાસ્થાનની સેવા માટે તને આપવામાં આવ્યાં છે, તે તારે યરુશાલેમમાં ઈશ્વરની સમક્ષ રજૂ કરવા.
20અને જો તારા ઈશ્વરના સભાસ્થાનને માટે અન્ય કોઈ જરૂરિયાત હોય તો તું રાજાના ભંડારમાંથી નાણાં મેળવીને ખરીદી કરી શકે છે.
21હું રાજા આર્તાહશાસ્તા ફ્રાત નદી પારના પ્રાંતના સર્વ ખજાનચીઓને હુકમ કરું છું કે, એઝરા યાજક જે આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રનો શાસ્ત્રી છે તે જે કંઈ માગે તે તમારે તાકીદે પૂરું પાડવું.
22ત્રણ હજાર ચારસો કિલો ચાંદી, દસ હજાર કિલો ઘઉં, બે હજાર લિટર દ્રાક્ષારસ અને બે હજાર લિટર તેલ અને જોઈએ તેટલું મીઠું પણ આપવું.
23આકાશના ઈશ્વર પોતાના સભાસ્થાનને માટે જે કંઈ આજ્ઞા કરે તે બધું તમારે પૂરા હૃદયથી કરવું. મારા રાજ્ય પર અને મારા વંશજો શા માટે ઈશ્વરનો કોપ આવવા દેવો?
24અને તને એ પણ જણાવવામાં આવે છે કે, કોઈ પણ વધારાની જકાત કે ખંડણી યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો કે ઈશ્વરના ભક્તિસ્થાનના સેવકો કે અન્ય સેવકો પાસેથી લેવી નહિ.
25વળી તને એઝરા, ઈશ્વરે જે જ્ઞાન આપ્યું છે તે વડે ન્યાયાધીશો અને અન્ય અધિકારીઓની પસંદગી કરજે અને ફ્રાત નદીની પશ્ચિમ તરફ વસતા જે લોકો તારા ઈશ્વરના નિયમો જાણે છે તેઓ પર વહીવટ ચલાવવા તેઓની નિમણૂક કરજે. જો તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રના જ્ઞાનથી અજાણ હોય તો તારે તેઓને શીખવવું.
26વળી જે કોઈ ઈશ્વરના નિયમશાસ્ત્રનું તથા રાજાના કાયદાનું પાલન કરવાનો ઇનકાર કરે તેઓને તારે મૃત્યુદંડ, દેશનિકાલ, મિલકતની જપ્તી અથવા કેદની સજા કરવી.”
27ત્યારે એઝરાએ કહ્યું, “અમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહની સ્તુતિ હો! કારણ કે તેમણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરુશાલેમમાં યહોવાહનું જે ભક્તિસ્થાન છે તેનો મહિમા વધારવો.
28અને તેમણે રાજા, તેના સલાહકારો અને સર્વ પરાક્રમી સરદારો દ્વારા મારા પર કૃપાદ્રષ્ટિ કરી છે. મારા ઈશ્વરનો હાથ મારા પર હતો તેથી હું બળવાન થયો, અને મેં ઇઝરાયલમાંથી મારી સાથે યરુશાલેમ જવા માટે આગેવાનોને એકત્ર કર્યા.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.