ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

એઝરા 10

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1એઝરા ઈશ્વરના ભક્તિસ્થાન આગળ પોતાને નમ્ર કરીને રડીને અપરાધના પસ્તાવા સાથે પ્રાર્થના કરતો હતો. તે દરમિયાન ઇઝરાયલી સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનું એક મોટું ટોળું તેની આજુબાજુ ભેગું થઈ ગયું. તેઓ વિલાપ કરવા લાગ્યા.
2ત્યારે એલામના એક વંશજ યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “આપણે આ દેશની અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરનો અનાદર કર્યો છે. તેમ છતાં પણ તે સંબંધી ઇઝરાયલીઓ માટે હજી આશા છે.
3હવે આપણે આપણા ઈશ્વર સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેઓથી જન્મેલા સંતાનો સાથે મૂકી દઈશું. અને અમે આ પ્રમાણે પ્રભુથી ડરીને તેમની સલાહ પ્રમાણે ચાલીશું. ઈશ્વરના નિયમનું પાલન થવું જ જોઈએ.
4ઊઠો, આ કામ તમારું છે અમે તમારી સાથે છીએ. હિંમત રાખીને આ કામ પૂર્ણ કરો.”
5ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇઝરાયલીઓને સમ ખવડાવ્યા કે અમો તે વચન પ્રમાણે જ કરીશું. તેઓ સર્વએ સોગન લીધા.
6ત્યાર બાદ એઝરા ઈશ્વરના ભક્તિસ્થાન સામેથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. તેણે કંઈ પણ ખાધું નહિ અને પાણી પણ પીધું નહિ. બંદીવાસમાંથી પાછા આવેલા લોકોના અપરાધોને લીધે તે શોકમાં હતો.
7તેઓએ ઢંઢેરો પિટાવીને આખા યહૂદિયામાં, યરુશાલેમમાં સર્વ બંદીવાનોને યરુશાલેમમાં ભેગા થવા માટે કહેવડાવ્યું.
8એમ જણાવ્યું કે સરદાર અને વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહિ તેની બધી મિલકત જપ્ત કરવામાં આવશે અને તેમને બંદીવાસવાળાઓના સમૂહમાંથી દૂર કરવામાં આવશે.”
9આથી ત્રણ દિવસની અંદર યહૂદિયાના અને બિન્યામીનના પ્રદેશના બધા લોકો યરુશાલેમમાં ભેગા થયા. નવમા માસના વીસમા દિવસે તેઓ બધા આ વાતના ભયના લીધે અને મૂશળધાર વરસાદને લીધે તેઓ ધ્રૂજતા ધ્રૂજતા આવીને ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં બેઠા.
10પછી યાજક એઝરાએ ઊભા થઈને કહ્યું, “તમે વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરને તજી દીધા છે અને ઇઝરાયલમાં અપરાધનો વધારો કર્યો છે.
11માટે હવે તમારા પિતૃઓના ઈશ્વર, યહોવાહ સમક્ષ સ્તુતિ કરો અને તેમની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસેલા સ્થાનિક અન્ય લોકોથી અને તમારી અન્યધર્મી પત્નીઓથી અલગ થઈ જાઓ.”
12ત્યારે આખી સભાએ ઊંચા અવાજે કહ્યું, “નિશ્ચે, તમે કહ્યું છે તે પ્રમાણે અમારે કરવું જ જોઈએ.
13પણ લોકો ઘણા છે અને વરસાદની ઋતુ છે, તેથી આપણને બહાર ઊભા રહેવા માટે સામર્થ્ય નથી, વળી આ કામ એક બે દિવસનું નથી; કારણ કે, આ બાબતમાં તો અમે મોટું પાપ કર્યું છે.
14દરેક શહેરમાં અમારામાંના જેઓ અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે તેઓ વડીલો અને ન્યાયાધીશો સાથે ઠરાવેલ સમયે હાજર થાય, અમારા આગેવાનો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે કે આ કારણે ભભૂકી ઊઠેલો ઈશ્વરનો કોપ આપણા પરથી દુર થાય.”
15કેવળ અસાહેલના પુત્ર યોનાથાન તથા તિકવાના પુત્ર યાહઝયાએ આ બાબતનો વિરોધ કર્યો, અને મશુલ્લામે તથા લેવી શાબ્બથાય તેઓને સાથ આપ્યો. બાકીના સર્વ લોકોએ એઝરાની સુચનાનો સ્વીકાર કર્યો.
16તેથી બંદીવાસમાંથી છૂટીને આવેલા લોકોએ પણ એઝરાના કહેવા પ્રમાણે કર્યુ. યાજક એઝરાએ પિતૃઓના વંશજોના પ્રતિનિધિ તરીકે કેટલાક વડાઓને પસંદ કર્યા અને તેઓના નામની યાદી બનાવી. દસમા માસના પહેલા દિવસે તેમણે આ બાબતની તપાસ શરૂ કરી
17પ્રથમ માસના પ્રથમ દિવસ સુધીમાં તેમણે અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા બધા પુરુષોની તપાસ કાર્યવાહી પૂરી કરી.
18યાજકોના કુટુંબોમાં અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા જે પુરુષો માલૂમ પડ્યા, તેઓનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના વંશજોમાંના, યોસાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, એલિએઝેર, યારીબ તથા ગદાલ્યા.
19એ બધાએ પોતાની પત્નીઓને તજી દેવાનું વચન આપ્યું. તેઓએ પોતાના અપરાધોને લીધે પાપાર્થાર્પણ તરીકે એક ઘેટાંનું અર્પણ કર્યું.
20ઈમ્મેરના વંશજોમાંથી હનાની અને ઝબાદ્યા
21હારીમના વંશજોમાંથી માસેયા, એલિયા, શમાયા, યહીએલ, અને ઉઝિયા,
22પાશહૂરના વંશજોમાંથી એલ્યોએનાય, માસેયા, ઇશ્માએલ, નથાનએલ, યોઝાબાદ અને એલાસા.
23લેવીઓમાંથી યોઝાબાદ, શિમઇ, કેલાયા જે કેલીટા પણ કહેવાય છે, પથાહ્યા યહૂદા અને એલિએઝેર.
24ગાયકોમાંથી એલ્યાશીબ, દ્વારપાળોમાંથી શાલ્લુમ, ટેલેમ અને ઉરી.
25ઇઝરાયલીઓમાંથી: પારોશના વંશજોમાંના; રામિયા, યિઝિયા, માલ્કિયા, મીયામીન, એલાઝાર, માલ્કિયા તથા બનાયા.
26એલામી વંશજોમાંથી માત્તાન્યા, ઝખાર્યા, યહીએલ, આબ્દી, યેરેમોથ તથા એલિયા હતા.
27ઝાત્તૂના વંશજોમાંથી: એલ્યોએનાય, એલ્યાશીબ, માત્તાન્યા, યેરેમોથ, ઝાબાદ તથા અઝીઝા.
28બેબાયના વંશજોમાંથી; યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય તથા આથલાય.
29બાનીના વંશજોમાંથી: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાશૂબ, શેઆલ તથા યરિમોથ.
30પાહાથ મોઆબના વંશજોમાંથી; આદના, કલાલ, બનાયા, માસેયા, માત્તાન્યા, બસાલેલ, બિન્નૂઇ તથા મનાશ્શા.
31હારીમના વંશજોમાંથી: એલિએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન,
32બિન્યામીન, માલ્લૂખ તથા શમાર્યા.
33હાશુમના વંશજોમાંથી; માત્તનાય, માત્તાત્તા, ઝાબાદ, અલિફેલેટ, યરેમાઇ, મનાશ્શા તથા શિમઇ,
34બાનીના વંશજોમાંથી; માઅદાય, આમ્રામ, ઉએલ;
35બનાયા, બેદયા, કલૂહી;
36વાન્યા, મરેમોથ, એલ્યાશીબ.
37માત્તાન્યા, માત્તનાય, યાસુ;
38બાની, બિન્નૂઈ, શિમઇ,
39નાથાન, શેલેમ્યા, અદાયા,
40માખ્નાદબાય, શાશાય, શારાય.
41અઝારેલ, શેલેમ્યા, શમાર્યા,
42શાલ્લુમ, અમાર્યા અને યૂસફ;
43નબોના વંશજોમાંના; યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ તથા બનાયા.
44આ બધાએ વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી બાળકો પણ થયાં હતાં.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.