ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

હઝકિયેલ 6

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતો તરફ તારું મુખ ફેરવ અને ભવિષ્યવાણી કર કે,
3હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાહનાં વચનો સાંભળો: પ્રભુ યહોવાહ આ પર્વતોને, ડુંગરોને, પ્રવાહોને તથા ખીણોને કહે છે, જુઓ, હું તમારી વિરુદ્ધ તલવાર લાવીશ અને તમારાં ઉચ્ચસ્થાનોનો નાશ કરીશ.
4તમારી વેદીઓ ઉજ્જડ થશે અને તમારા સ્તંભોનો નાશ થશે, હું તમારા મૃતદેહોને તમારી મૂર્તિઓ આગળ નીચે ફેંકી દઈશ.
5હું ઇઝરાયલી લોકોના મૃતદેહો તેઓની મૂર્તિઓ આગળ મૂકીશ, તમારાં હાડકાં તમારી વેદીઓની આસપાસ વિખેરી નાખીશ.
6તમારા નિવાસસ્થાનોનાં નગરો ઉજ્જડ કરી દેવામાં આવશે અને ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે, જેથી તમારી વેદીઓનો દુર્વ્યય કરીને ઉજ્જડ કરવામાં આવે. પછી તેઓને ભાંગી નાખવામાં આવે અને તેઓનો અંત આવે, તમારાં સ્તંભો કાપી નાખવામાં આવે અને તમારા કાર્યોનો નાશ થાય.
7મૃત્યુ પામેલાઓ તમારી મધ્યે પડશે, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!
8પરંતુ હું તમારામાંના કેટલાકને જીવતા રહેવા દઈશ, એટલે તમે જુદાજુદા દેશોમાં વિખેરાઈ જશો ત્યારે તમારામાંના કેટલાક ત્યાંની પ્રજાઓ મધ્યે તલવારથી બચી જશે.
9પછી તમારામાંના જેઓ બચી જશે તેઓ જે પ્રજાઓમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મને યાદ કરશે અને મારાથી ફરી ગયેલાં તેમનાં હૃદયથી તથા તેઓની મૂર્તિઓની પાછળ મોહિત થતી આંખોથી મારું હૃદય દુઃખી થશે. પોતે સર્વ તિરસ્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્ટતા તેઓએ કરી છે તેને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.
10તેથી તેઓ જાણશે કે હું યહોવાહ છું. હું તમારા પર વિપત્તિ લાવીશ એવું મેં તેઓને માત્ર કહેવા ખાતર કહ્યું નહતું.
11પ્રભુ યહોવાહ કહે છે કે: તાળી પાડીને તથા પગ પછાડીને કહે કે, “ઇઝરાયલ લોકોનાં સર્વ ધિક્કારપાત્ર દુષ્ટ કૃત્યોને લીધે અફસોસ!” કારણ કે તેઓ તલવાર, દુકાળ અને મરકીથી નાશ પામશે.
12દૂર રહેનારા મરકીથી માર્યા જશે, નજીક રહેનારા તલવારથી માર્યા જશે. બાકીના જેઓને ઘેરી લેવામાં આવ્યા છે તેઓ દુકાળમાં માર્યા જશે; આ રીતે હું તેઓના પરનો મારો ક્રોધ પૂરો કરીશ.
13જ્યારે તેઓના કતલ થયેલા માણસો તમારી મધ્યે, દરેક ઊંચી ટેકરી પર, પર્વતનાં શિખરો પર, દરેક લીલા વૃક્ષ નીચે તથા ઘટાદાર એલોન વૃક્ષ નીચે, એટલે જે જગાએ તેઓ પોતાની મૂર્તિઓ આગળ સૂગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં તેઓની વેદીઓની આજુબાજુ તેઓની મૂર્તિઓ સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
14હું મારું સામર્થ્ય બતાવીને તેઓ જ્યાં જ્યાં રહે છે તે બધી જગ્યાઓને દીબ્લાહ તરફના અરણ્ય કરતાં વધારે ઉજ્જડ કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.