ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

હઝકિયેલ 27

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2“હવે, હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે વિલાપ કર,
3અને તૂરને કહે, ‘હે સમુદ્રના તટ પર રહેનારા, ઘણા ટાપુઓના લોકોના વેપારી, પ્રભુ યહોવાહ કહે છે: હે તૂર, તેં કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું.’
4તારી સરહદો સમુદ્રમાં છે; તારા બાંધનારાઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
5તેઓએ તારાં પાટિયાં સનીર પર્વતના સરુના બનાવ્યાં છે; તારા માટે ડોલ બનાવવા માટે તેઓએ લબાનોનના દેવદાર વૃક્ષો લીધાં હતાં.
6તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં; તારું તૂતક સાયપ્રસ બેટોથી સરળ કાષ્ટની તથા હાથીદાંતથીજડિત બનાવવામાં આવ્યું હતું.
7તારાં સઢ મિસરના રંગીન શણમાંથી બનાવ્યાં હતાં, તે તારી નિશાનીની ગરજ સારતો હતો, તારી છત એલીશા ટાપુઓના નીલ તથા જાંબુડિયાં વસ્ત્રની હતી.
8તારાં હલેસાં મારનારા સિદોન તથા આર્વાદના રહેવાસીઓ હતા. તારામાં જે તૂરના કુશળ પુરુષો હતા તેઓ તારા ખલાસીઓ હતા.
9ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતા હતા. દેશપરદેશથી સમુદ્રના બધાં વહાણો તથા ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.
10ઇરાન, લૂદ તથા પૂટના તારા સૈન્યમાં તારા યોદ્ધા હતા. તેઓએ તારી અંદર ઢાલ અને ટોપ લટકાવ્યા હતા અને તેઓ તારી શોભા વધારતા હતા!
11તારા સૈન્ય સાથે આર્વાદ તથા સિસિલના માણસો તારા કિલ્લાની ચારેબાજુ હતા. ગામ્માદીઓ તારા બુરજોમાં હતા! તેઓએ પોતાની ઢાલો તારી દીવાલો પર ચારેબાજુ લટકાવેલી હતી, તેઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
12તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાર્શીશ વેપાર કરતું હતું: તેઓ તારા માલના માટે ચાંદી, લોખંડ, કલાઈ તથા સીસું લાવતા હતા.
13યાવાન, તુબાલ તથા મેશેખથી તેઓ તારી સાથે વેપાર કરતા હતા, તેઓ ગુલામો તથા પિત્તળનાં વાસણો આપીને બદલામાં તારો માલ લઈ જતા હતા.
14બેથ તોગાર્માના લોકો તારા માલના બદલામાં ઘોડા, યુદ્ધઘોડાઓ તથા ખચ્ચર આપતા હતા.
15દેદાનવાસીઓ તથા ટાપુઓ તારી સાથે વેપાર કરતા હતા. માલ તારા હાથમાં હતો, તેઓ હાથીદાંત તથા અબનૂસ નજરાણાં તારે સારુ લાવતા.
16તારી પાસે બનાવેલો માલ ઘણો હોવાને લીધે અરામ તારી સાથે વેપાર કરતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામનાં વસ્ત્રો, બારીક શણ, મોતી તથા માણેક આપીને તારો માલ લેતા હતા.
17યહૂદિયા તથા ઇઝરાયલી લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, બાજરી, મધ, તેલ, ઔષધ તથા બોળ આપતા હતા.
18તારી સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે દમસ્કસ તારી સાથે વેપાર કરતું હતું, તારી પાસે કારીગરીનો ઘણો માલ હતો તેને બદલે હેલ્બોનનો દ્રાક્ષારસ તથા સફેદ ઊન આપતા હતા.
19ઉઝાલથી દાન તથા યાવાન તને ઘડતરનું લોઢું, દાલચીની તથા સૂતરનો માલ આપતાં હતાં. આ માલ તારો હતો.
20દેદાન તારી સાથે સવારીના ધાબળાનો વેપાર કરતો હતો.
21અરબસ્તાનના તથા કેદારના સર્વ આગેવાનો તારી સાથે વેપાર કરતા હતા; તેઓ હલવાનો, ઘેટાં તથા બકરાનો વેપાર કરતા હતા.
22શેબા તથા રામાહના વેપારીઓ સર્વ પ્રકારના ઉત્તમ જાતના તેજાના, રત્નો તથા સોનું આપીને તારો માલ લઈ જતા.
23હારાન, કાન્નેહ તથા એદેન, શેબા, આશ્શૂર તથા ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા.
24તારા માલની સાથે તેઓ ઉત્તમ વસ્તુઓ, નીલ તથા ભરતકામનાં વસ્ત્રો, દોરડાથી બાંધેલા, એરેજકાષ્ટની બનાવેલી કિંમતી વસ્ત્રની પેટીઓથી તારી સાથે વેપાર કરતા હતા.
25તાર્શીશનાં વહાણો તારા માલનાં પરિવાહકો હતાં. તું ભરસમુદ્રમાં સમૃદ્ધ હતો.
26તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે; પૂર્વના પવનોએ તને સમુદ્રની વચ્ચે ભાંગી નાખ્યું છે.
27તારું દ્રવ્ય, તારો માલ, તારો વેપાર, તારા નાવિકો, તારા ખલાસીઓ તારા મરામત કરનારાઓ, તારા માલનો વેપાર કરનારાઓ અને તારી અંદરના યોદ્ધાઓ, તારા સર્વ સૈનિકો તારા નાશના દિવસે સમુદ્રના ઊંડાણોમાં ગરક થઈ જશે.
28તારા નાવિકોની બૂમોથી દરિયા કિનારો કંપી ઊઠશે.
29તારા હલેસાં મારનારાઓ પોતપોતાનાં વહાણો પરથી ઊતરી જશે; નાવિકો તથા ખલાસી સર્વ કિનારા પર ઊભા રહેશે.
30તેઓ તારું દુ:ખ જોઈને વિલાપ કરશે અને દુ:ખમય રુદન કરશે; તેઓ માથા પર ધૂળ નાખશે અને રાખમાં આળોટશે.
31તેઓ તારે લીધે પોતાના માથાં મૂંડાવશે. તેઓ પોતાના શરીર પર ટાટ પહેરશે, પોતે હૈયાફાટ તથા દુઃખમય વિલાપ કરીને તારા માટે રડશે.
32તેઓ તારા માટે રુદન કરશે અને વિલાપગીત ગાશે, તૂર સમુદ્રમાં શાંત કરી નંખાયું છે, તેના જેવું કોણ છે?
33જ્યારે તારો માલ સમુદ્રમાંથી ઊતરતો ત્યારે તું ઘણી પ્રજાઓને સંતોષતું હતું. તારા માલથી તથા પુષ્કળ દ્રવ્યથી રાજાઓ ધનાઢ્ય થતા હતા.
34જ્યારે સમુદ્રનાં મોજાંઓએ તને ભાંગી નાખ્યું, ત્યારે તારો બધો માલ તથા તારા બધા માણસો તારી સાથે નાશ પામ્યા છે.
35દ્વીપોના સર્વ રહેવાસીઓ તારી દશા જોઈને સ્તબ્ધ થઈ ગયા છે, તેઓના રાજાઓ ભયભીત થઈ ગયા છે અને તેઓના ચહેરાઓ પર ગભરાટ છવાયેલો છે.
36પ્રજાઓના વેપારીઓ ડરીને બૂમો પાડે છે; તું ભયરૂપ થયું છે, તું ફરી કદી હયાતીમાં આવશે નહિ!”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.