ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

હઝકિયેલ 22

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2“હે મનુષ્યપુત્ર, શું તું ન્યાય કરશે? શું ખૂની નગરનો ન્યાય કરશે? તેને તેના ધિક્કારપાત્ર કૃત્યો જણાવ.
3તારે કહેવું કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: હે પોતાનો કાળ લાવવા સારુ પોતાની મધ્યે લોહી વહેવડાવનાર, પોતાને અશુદ્ધ કરવા મૂર્તિઓ બનાવનાર નગર!
4જે લોહી તેં વહેવડાવ્યું છે તેથી તું દોષિત થયું છે, તારી જ બનાવેલી મૂર્તિઓથી તું અશુદ્ધ થયું છે. તું તારો કાળ નજીક લાવ્યું છે અને તારા વર્ષનો અંત આવી પહોંચ્યો છે. તેથી જ મેં તને બધી પ્રજાઓની નજરમાં મહેણારૂપ તથા બધા દેશોના આગળ હાંસીપાત્ર બનાવ્યું છે.
5હે અશુદ્ધ નગર, હે આબરૂહીન તથા સંપૂર્ણ ગૂંચવણભર્યા નગર, તારાથી દૂરના તથા નજીકના તારી હાંસી ઉડાવશે.
6જો, ઇઝરાયલના સરદારો પોતાના બળથી લોહી વહેવડાવાને તારી અંદર આવે છે.
7તેઓએ તારા માતાપિતાનો આદર કર્યો નથી, તારી મધ્યે વિદેશીઓને સુરક્ષા માટે નાણાં આપવા પડે છે. તેઓ અનાથો તથા વિધવાઓ ઉપર ત્રાસ ગુજારે છે.
8તું મારી પવિત્ર વસ્તુઓને ધિક્કારે છે. અને મારા વિશ્રામવારોને અપવિત્ર કર્યાં છે.
9તારી મધ્યે ચાડિયા લોહી વહેવડાવનારા થયા છે, તેઓ પર્વત પર ખાય છે. તેઓ તારી મધ્યે જાતીય પાપો આચરે છે.
10તારી અંદર તેઓએ પોતાના પિતાઓની આબરૂ ઉઘાડી કરી છે. સ્ત્રીની અશુદ્ધતા સમયે તેઓએ તે અશુદ્ધ સ્ત્રી સાથે બળાત્કાર કર્યો છે.
11માણસોએ પોતાના પડોશીની પત્નીઓ સાથે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, તેઓએ લંપટતાથી પોતાની પૂત્રવધુને ભ્રષ્ટ કરી છે; ત્રીજાએ પોતાની બહેન સાથે એટલે કે પોતાના બાપની દીકરી સાથે બળાત્કાર કર્યો છે.
12તારી મધ્યે લોકોએ લાંચ લઈને લોહી વહેવડાવ્યું છે. તેં તેઓની પાસેથી વ્યાજ તથા નફો લીધા છે, તેં જુલમ કરીને તારા પડોશીને નુકસાન કર્યું છે, મને તું ભૂલી ગયો છે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
13“તે માટે જો, અપ્રામાણિક લાભ તેં મેળવ્યો છે તથા તારી મધ્યે લોહી વહેવડાવ્યું છે, તેથી મેં મારો હાથ પછાડ્યો છે.
14હું તારી ખબર લઈશ ત્યારે તારું હૃદય દ્રઢ રહેશે? તારા હાથ મજબૂત રહેશે? કેમ કે હું યહોવાહ તે બોલ્યો છું અને હું તે કરીશ.
15હું તને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ અને દેશો મધ્યે તને વિખેરી નાખીશ. હું તારી મલિનતા તારામાંથી દૂર કરીશ.
16બીજી પ્રજાઓ આગળ તું અપમાનિત થશે અને ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું!”
17પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
18“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકો મારે માટે નકામા કચરા જેવા છે. તેઓ ભઠ્ઠીમાં રહેલા પિત્તળ, કલાઈ, લોખંડ તથા સીસા જેવા છે. તેઓ તારી ભઠ્ઠીમાં ચાંદીના કચરા જેવા છે.
19આથી પ્રભુ યહોવાહ કહે છે કે, ‘તમે બધા નકામા કચરા જેવા છો, માટે જુઓ, હું તમને યરુશાલેમમાં ભેગા કરીશ.
20જેમ લોકો ચાંદી, પિત્તળ, લોખંડ, સીસા તથા કલાઈને ભેગા કરીને ભઠ્ઠીમાં નાખીને અગ્નિ સળગાવીને ગાળે છે, તેવી જ રીતે હું તમને મારા રોષમાં તથા ક્રોધમાં ભેગા કરીને ભઠ્ઠીમાં નાખીને ઓગાળીશ.
21હું તમને ભેગા કરીશ અને મારો ક્રોધરૂપી અગ્નિ તમારા પર ફૂંકીશ, જેથી તમે મારા રોષની ભઠ્ઠીમાં ઓગળી જશો.
22જેમ ચાંદી ભઠ્ઠીમાં ઓગળી જાય છે, તેમ તમને તેમાં પિગળાવવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં યહોવાહે મારો રોષ તમારા પર રેડ્યો છે!”
23ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
24“હે મનુષ્યપુત્ર, તેને કહે: ‘તું તો એક સ્વચ્છ નહિ કરાયેલો દેશ છે. કે જેના પર કોપના દિવસે કદી વરસાદ વરસ્યો નથી.
25શિકાર ફાડી ખાનાર ગર્જના કરતા સિંહની જેમ તારા પ્રબોધકો એ તારી વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું છે, તેઓએ ઘણા જીવોને ફાડી ખાધા છે અને તેઓએ કિંમતી દ્રવ્ય લઈ લીધું છે. તેઓ બળજબરીથી ખજાનો અને સંપત્તિ પડાવી લે છે. તેઓએ તેમાં વિધવાઓની સંખ્યા વધારી છે.
26તેના યાજકોએ મારા નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે, તેઓએ મારી અર્પિત વસ્તુઓને ભ્રષ્ટ કરી છે. તેઓએ પવિત્ર વસ્તુ તથા અપવિત્ર વસ્તુ વચ્ચે તફાવત રાખ્યો નથી. તેઓ શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ મારા વિશ્રામવાર તરફ નજર કરતા નથી તેથી હું તેઓની વચ્ચે અપવિત્ર થયો છું.
27તેના રાજકુમારો શિકાર ફાડીને લોહી વહેવડાવનાર વરુઓ જેવા છે; તેઓ હિંસાથી લોકોને મારી નાખીને અપ્રામાણિક લાભ મેળવનારા છે.
28તેઓ કહે છે, પ્રભુ યહોવાહ બોલ્યા ન હોય તોપણ “યહોવાહ બોલ્યા છે” એમ કહીને વ્યર્થ સંદર્શનો કહીને તથા જૂઠા શકુન જોઈને તેઓના પ્રબોધકોએ તેઓને ચૂનાથી ધોળે છે.
29દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે અને લૂંટ કરી છે, તેઓએ ગરીબો તથા જરૂરતમંદો સાથે દુર્વ્યવહાર કર્યો છે, વિદેશીઓને ન્યાયથી વંચિત રાખીને તેઓની સાથે જુલમ કર્યો છે.
30મેં એવો માણસ શોધ્યો છે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે બાકોરામાં ઊભો રહીને મને તેનો નાશ કરતા રોકે, પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.
31આથી હું મારો ક્રોધ તેઓ પર રેડી દઈશ! હું મારા ક્રોધરૂપી અગ્નિથી તમને બાળીને ભસ્મ કરીશ. તેમણે તેઓએ કરેલાં સર્વ દૂરા આચરણોનું હું તેઓને માથે લાવીશ.’ એવું પ્રભુ યહોવાહ કહે છે.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.