ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

હઝકિયેલ 16

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2“હે મનુષ્યપુત્ર, યરુશાલેમને તેનાં તિરસ્કારપાત્ર કૃત્યો વિષે જણાવ.
3તેને કહે કે, ‘પ્રભુ યહોવાહ યરુશાલેમ નગરીને આમ કહે છે: “તારી ઉત્પત્તિ તથા તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલાં છે; તારા પિતા અમોરી અને મા હિત્તી હતી.
4તારો જન્મ જે દિવસે થયો તારી માએ તારી નાળ કાપી ન હતી, કે તને પાણીથી શુદ્ધ કરી ન હતી કે તને મીઠું લગાડ્યું ન હતું, કે તને વસ્ત્રોમાં લપેટી ન હતી.
5આમાંનુ કોઈ પણ કામ કરવાની કોઈએ તારા પર કૃપાદ્રષ્ટિ કરી નહિ. જે દિવસે તારો જન્મ થયો તે દિવસે તને ખેતરોમાં નાખી દેવામાં આવી હતી. તું તિરસ્કૃત હતી.
6પણ હું ત્યાંથી પસાર થયો અને મેં તને તારા રક્તમાં આળોટતી જોઈ; ત્યારે મેં તને કહ્યું, તારા રક્તમાં પડેલી તું, ‘જીવ!’
7મેં તને ખેતરમાં ઊગેલા છોડની જેમ ઉછેરી. અને તું વૃદ્ધિ પામીને મોટી થઈ, તેં સૌદર્ય સંપાદન કર્યું, તારાં સ્તન ઉપસી આવ્યાં અને તારા વાળ પણ વધ્યા; તેમ છતાં તું નિર્વસ્ત્રાવસ્થામાં હતી.
8ફરી તારી પાસેથી હું પસાર થયો ત્યારે મેં તને જોઈ, તારી ઉંમર પ્રેમ કરવા યોગ્ય હતી, તેથી મેં મારો ઝભ્ભો તારા પર પસારીને તારી નિર્વસ્ત્રા ઢાંકી. મેં તારી આગળ સમ ખાધા અને તારી સાથે કરાર કર્યો,” “તું મારી થઈ. આમ પ્રભુ યહોવાહ કહે છે.
9મેં તને પાણીથી નવડાવી અને તારા પરથી તારું લોહી ધોઈ નાખ્યું, મેં તને તેલ લગાવ્યું.
10વળી મેં તને ભરતકામનાં વસ્ત્રો તથા તારા પગમાં ચામડાનાં ચંપલ પહેરાવ્યાં. મેં તારી કમરે શણનો કમરબંધ બાંધ્યો અને તને રેશમી વસ્ત્રો પહેરાવ્યાં.
11મેં તને કિંમતી આભૂષણોથી શણગારી હાથે બંગડીઓ પહેરાવી અને તારા ગળામાં હાર પહેરાવ્યો.
12નાકમાં વાળી અને કાનમાં બુટ્ટી પહેરાવી અને માથે સુંદર મુગટ મૂક્યો.
13સોનાચાંદીથી તને શણગારી તને શણ, રેશમ તથા ભરતકામનાં વસ્ત્રો પહેરાવ્યાં; તેં ઉત્તમ લોટ, મધ તથા તેલ ખાધાં, તું વધારે સુંદર લાગતી હતી, તું રાણી થઈ.
14તારી સુંદરતાને કારણે તારી કીર્તિ સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ છે, કેમ કે યહોવાહ કહે છે કે, જે મારા પ્રતાપથી મેં તને વેષ્ટિત કરી હતી, તેથી કરીને તારું સૌદર્ય પરિપૂર્ણ થયું હતું.
15“પણ તેં તારી પોતાની સુંદરતા પર ભરોસો કર્યો છે, તારી કીર્તિને લીધે વ્યભિચારી સ્ત્રી થઈ, તેં પાસે થઈને જનાર દરેકની સાથે વ્યભિચાર કર્યો.
16તેં તારા વસ્ત્રોમાંથી લઈને અલગ અલગ રંગના વસ્ત્રોથી પોતાને માટે ઉચ્ચસ્થાનો બનાવ્યાં, ત્યાં વ્યભિચાર કર્યો. એવું કદી થયું ન હતું અને થશે પણ નહિ.
17મારાં સોનાચાંદીનાં તારાં જે ઘરેણાં મેં તને આપ્યાં હતાં, તે લઈને તેં પોતાને માટે પૂતળાં બનાવ્યાં, તેની સાથે વ્યભિચાર કર્યો.
18તેં તારા ભરતકામનાં વસ્ત્રો લઈને તેઓને ઓઢાડ્યાં, મારું તેલ તથા મારો ધૂપ તેઓને ચઢાવ્યાં.
19અને મારા ઉત્તમ લોટની રોટલી, મધ તથા તેલ જે તને ખાવા આપ્યાં હતાં, તે તેં સુવાસિત સુવાસને સારુ તેઓને ચઢાવી દીધાં. એમ જ થયું!” એવું પ્રભુ યહોવાહ કહે છે.
20“વળી મેં તને જે દીકરા-દીકરીઓના દાન આપ્યાં તેઓને લઈને તેં તેઓને બલિદાન તરીકે આપ્યાં. શું તારો આ વ્યભિચાર તને નાની વાત લાગે છે? એટલું જ શું તારે માટે પૂરતું નહોતું,
21તેં મારાં બાળકોને તેઓને માટે અગ્નિમાં બલિદાન કરીને મારી નાખ્યાં.
22તારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તથા વ્યભિચાર કરતી વખતે તારી જુવાનીના દિવસો વિષે વિચાર કર્યો નહિ, તારા બાળપણમાં તું નગ્ન અને રક્તમાં આળોટતી હતી તેં તે દિવસોનું સ્મરણ કર્યું નહિ.
23“માટે, તારી સર્વ દુષ્ટતાને કારણે, પ્રભુ યહોવાહ આમ કહે છે, અફસોસ, તને અફસોસ!”
24તેં તારા પોતાને માટે ઘૂમટ બંધાવ્યો છે, દરેક જગ્યાએ ભક્તિસ્થાનો બનાવ્યા છે.
25તેં રસ્તાના દરેક મથક આગળ સભાસ્થાનો બંધાવ્યા છે, પોતાની સુંદરતાને કંટાળો આવે એવું તેં કરી નાખ્યું છે, કેમ કે તેં પાસે થઈને જનાર દરેકની આગળ પોતાના પગ ખુલ્લા કરીને વ્યભિચાર કર્યો છે.
26તેં પુષ્કળ વિલાસી ઇચ્છાવાળા મિસરવાસીઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેં મને ગુસ્સે કરવા ઘણો બધો વ્યભિચાર કર્યો છે.
27તેથી જો, હું તારી સામે મારો હાથ લંબાવીશ અને તારો ખોરાક ઓછો કરી નાખીશ. હું તારું જીવન તારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. પલિસ્તીઓની પુત્રીઓ તારાં શરમજનક કાર્યોથી શરમાઈ ગઈ છે.
28તને સંતોષ ન થતાં તેં આશ્શૂરના લોકોની સાથે પણ વ્યભિચાર કર્યો છે. તેઓની સાથે વ્યભિચાર કર્યો છતાંય તું સંતોષ પામી નહિ.
29વળી તેં કનાન દેશથી માંડીને ખાલદી દેશ સુધી તારો વ્યભિચાર વધારી દીધો તેમ છતાં તને તૃપ્તિ થઈ નહિ.
30“તું આવાં બધાં કાર્યો એટલે સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રીનાં કાર્યો કરે છે માટે તારું હૃદય નબળું પડ્યું છે? “એવું પ્રભુ યહોવાહ કહે છે.
31તું તારો ઘૂમટ દરેક શેરીને મથકે બાંધે છે અને દરેક જગ્યાએ તું તારાં મંદિરો બાંધે છે, તું ખરેખર ગણિકા નથી, કેમ કે તું તારા કામના પૈસા લેવાનું ધિક્કારે છે.
32તું વ્યભિચારી સ્ત્રી, તું તારા પતિને બદલે પરદેશીઓનો અંગીકાર કરનારી.
33લોકો દરેક ગણિકાઓને પૈસા આપે છે, પણ તું તારું વેતન તારા પ્રેમીઓને તથા જેઓ ચારેબાજુથી તારી સાથે વ્યભિચાર કરવાને આવે છે તેઓને લાંચ તરીકે આપે છે.
34તેથી તારી અને બીજી ગણિકાઓ વચ્ચે તફાવત છે, કેમ કે કોઈ તારી સાથે સૂવાને તારી પાછળ આવતું નથી, પણ તું તેઓને વેતન આપે છે, કોઈ તને આપતું નથી.”
35તેથી હે ગણિકા, યહોવાહનું વચન સાંભળ.
36પ્રભુ યહોવાહ એવું કહે છે: “તારી મલિનતા રેડવામાં આવી અને તારા પ્રેમીઓ સાથેના વ્યભિચારથી તારી નિર્વસ્ત્રતા ઉઘાડી થઈ છે તેને કારણે તથા તારાં બધા ધિક્કારપાત્ર કૃત્યોની બધી મૂર્તિઓને લીધે અને તારાં અર્પણ કરેલાં બાળકોના લોહીને લીધે;
37જો, હું તારા પ્રેમીઓને-જેઓને તું મળી હતી તેઓને, જે બધાઓને તું પ્રેમ કરતી હતી, જે બધાને તું ધિક્કારતી હતી તેઓને પણ હું ભેગા કરીશ, તેઓને હું ચારેબાજુથી ભેગા કરીશ. તેઓની આગળ તને ઉઘાડી કરીશ, જેથી તેઓ તારું સર્વ ઉઘાડુંપણું જુએ.
38ખૂની તથા વ્યભિચારી સ્ત્રીને જે પ્રમાણે શિક્ષા થાય છે તેવી શિક્ષા હું તને કરીશ. હું તારા પર મારો ક્રોધ તથા આવેશ ઉતારીશ.
39હું તને તેઓના હાથમાં આપી દઈશ જેથી તેઓ તારો ઘૂમટ પાડી નાખશે અને તારાં મંદિરો તોડી નાખશે, તેઓ તારાં વસ્ત્ર તારા શરીર પરથી ઉતારી લેશે. તારાં સુંદર ઘરેણાં લઈ લેશે; તેઓ તને નિર્વસ્ત્ર તથા ઉઘાડી મૂકી જશે.
40તેઓ તારી સામે ટોળું લાવશે અને તને પથ્થરે મારશે અને પોતાની તલવારથી તને કાપી નાખશે.
41તેઓ તારાં મકાનો બાળી મૂકશે અને ઘણી સ્ત્રીઓના દેખતાં તને સજા કરશે. આમ, હું તારા વ્યભિચારનો અંત લાવીશ અને ત્યાર પછી તું કોઈને કંઈ પણ વેતન આપશે નહિ.
42ત્યારે હું તારા પરનો મારો રોષ શાંત કરીશ; મારો ગુસ્સો શમી જશે, કેમ કે મને સંતોષ થશે અને ત્યાર પછી હું ગુસ્સો કરીશ નહિ.
43પણ તેં તારી જુવાનીના દિવસો યાદ ન કરતાં, આ બધી બાબતોથી મને ગુસ્સો ચડાવ્યો છે-જો, હું તને તારાં કૃત્યો માટે સજા કરીશ” એવું પ્રભુ યહોવાહ કહે છે, “તારાં ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત શું તેં આ દુષ્ટ કામ નથી કર્યું?
44જો, કહેવતોનો ઉપયોગ કરનાર દરેક તારે માટે આ કહેવત કહેશે, જેવી મા તેવી દીકરી.
45તું તારી માની દીકરી છે. જેણે પોતાના પતિને તથા પોતાના સંતાનોને ધિક્કાર્યાં હતાં. તું તારી બહેનોની બહેન છે, જેઓએ પોતાના પતિને તથા સંતાનોને ધિક્કાર્યાં હતાં. તારી મા હિત્તી તથા પિતા અમોરી હતા.
46તારી મોટી બહેન સમરુન હતી, જે પોતાની દીકરીઓ સાથે તારી ઉત્તર બાજુએ રહે છે, તારી દક્ષિણબાજુ રહેનારી તારી નાની બહેન તે સદોમ તથા તેની દીકરીઓ છે.
47તેઓને પગલે ચાલીને તથા તેઓનાં જેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તું તૃપ્ત થઈ નથી; તે નાની બાબત હોય તેમ સમજીને તું તારા સર્વ માર્ગોમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ છે.
48પ્રભુ યહોવાહ કહે છે કે, મારા જીવના સમ” સદોમ તથા તેની દીકરીઓએ, તારી તથા તારી દીકરીઓના જેટલું દુષ્ટ કાર્ય કર્યું નથી.
49જો, તારી બહેન સદોમનાં પાપ આ પ્રમાણે હતાં: અભિમાન, આળસ તથા અન્નની પુષ્કળતા તથા જાહોજલાલીને લીધે તે તથા તેની દીકરીઓ અભિમાની થઈ ગઈ હતી. વળી તેઓ ગરીબોને કે દુ:ખીઓને કદી મદદ કરતી નહોતી.
50તે અભિમાની હતી અને મારી આગળ ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી, તેથી મને યોગ્ય લાગ્યું તે પ્રમાણે મેં તેઓને દૂર કરી.
51સમરુને તો તારાથી પ્રમાણમાં અડધા પાપ પણ કર્યા નથી; પણ તેં તેઓએ કર્યાં તેના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેના કરતાં તેં તારી બહેનોને સારી બતાવી છે.
52તેં બતાવ્યું છે કે તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે, તેથી તું લજ્જિત થા; કેમ કે તેં તારા પાપના લીધે તેઓના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે. તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે. તું, લજ્જિત થા, આ પ્રમાણે તેં બતાવ્યું છે કે તારા કરતાં તારી બહેનો ઉત્તમ છે.
53હું સદોમ તથા તેની દીકરીઓની, સમરુન તથા તેની દીકરીઓની આબાદી તેઓને પાછી આપીશ. તારી આબાદી તને પાછી આપીશ.
54આને કારણે તું લજ્જિત થશે, તેં જે જે કર્યું છે, જેથી તું તેઓને દિલાસારૂપ થઈ છે. તે સર્વને લીધે તું અપમાનિત થશે.
55તારી બહેનો સદોમ તથા તેની દીકરીઓ પોતાની અગાઉની સ્થિતિમાં પાછી આવશે, સમરુન તથા તેની દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછી આવશે. તેમ જ તું તથા તારી દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછાં આવશો.
56તારા ઘમંડના દિવસોમાં તેં તારી બહેન સદોમ નું નામ તારા મુખેથી લીધું ન હતું,
57પણ હવે અરામની દીકરીઓ અને પલિસ્તીઓની દીકરીઓ જેઓ ચારેબાજુ તને ધિક્કારે છે, તેઓએ તારું અપમાન કર્યું ત્યારે તારી દુષ્ટતા પ્રગટ થઈ છે.
58તું તારાં શરમજનક કાર્યો તથા તારાં ધિક્કારપાત્ર કાર્યોની ફળ ભોગવે છે એવું પ્રભુ યહોવાહ કહે છે.
59પ્રભુ યહોવાહ કહે છે, “તેં કરાર તોડીને સમનો તિરસ્કાર કર્યો છે, માટે હું તને શિક્ષા કરીશ.
60પણ હું તારી જુવાનીમાં તારી સાથે કરેલો કરાર યાદ રાખીને, હું તારી સાથે સદાકાળનો કરાર સ્થાપીશ.
61જ્યારે તું તારા માર્ગો યાદ કરશે અને શરમાશે, ત્યારે તું તારી મોટી બહેન તથા તારી નાની બહેનનો સ્વીકાર કરશે.
62હું તારી સાથે મારો કરાર સ્થાપીશ ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું.
63જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમના લીધે પોતાનું મુખ પણ ફરીથી નહિ ખોલે. “એવું પ્રભુ યહોવાહ કહે છે.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.