ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

નિર્ગમન 5

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1લોકોની સાથે વાત કર્યા પછી મૂસા અને હારુને મિસરના રાજા ફારુન પાસે આવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે, ‘મારા લોકોને મારે માટે પર્વ પાળવા સારુ અરણ્યમાં જવા દે.’
2પરંતુ ફારુને કહ્યું, “યહોવાહ તે વળી કોણ છે કે હું તેની સૂચના માનીને ઇઝરાયલીઓને જવા દઉં? તમે જેને ઈશ્વર માનો છો, તેને હું ઓળખતો નથી, વળી હું ઇઝરાયલીઓને જવા દેવાની પણ ના પાડું છું.”
3ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વરે અમને લોકોને દર્શન આપ્યું છે. અમારા ઈશ્વરનું ભજન કરવા માટે તું અમને અરણ્યમાં ત્રણ દિવસનો પ્રવાસ કરવા જવા દે, ત્યાં અમે યહોવાહને યજ્ઞાર્પણ કરીશું. જો અમને નહિ જવા દે તો ઈશ્વર તરફથી દેશ પર મરકી અને તલવારરૂપી આફત આવી પડશે.”
4પરંતુ મિસરના રાજાએ તેઓને કહ્યું કે, “હે મૂસા અને હારુન, તમે લોકોના કામમાં કેમ અડચણરૂપ થાઓ છો? તમે તમારું કામ કરો અને લોકોને તેમનું કામ કરવા દો.”
5વળી તેણે કહ્યું, “હમણાં આપણા દેશમાં હિબ્રૂ લોકોની સંખ્યા વધી ગઈ છે અને તમે તે લોકોને કામ કરતાં અટકાવવા માગો છો.”
6તે જ દિવસે ફારુને ઇઝરાયલી લોકો પાસે સખત કામ કરાવવા માટે મુકાદમોને આદેશ આપ્યો કે,
7“હવે તમારે ઈંટો પાડવા માટે લોકોને પરાળ આપવું નહિ; તેઓ જાતે પરાળ લઈ આવે.
8વળી ધ્યાન રાખજો કે, અત્યાર સુધી તેઓ જેટલી ઈંટો બનાવતા આવ્યા છે એમાં ઘટાડો થવો જોઈએ નહિ. હવે એ લોકો આળસુ થઈ ગયા છે. તેથી બૂમો પાડે છે કે, અમને અમારા ઈશ્વરને યજ્ઞો કરવા જવા દો.
9તેઓને સતત એટલા બધા કામમાં રોકી રાખો કે પછી તેઓની પાસે મૂસાની જૂઠી વાતો સાંભળવાનો સમય જ રહે નહિ.”
10તેથી એ લોકોના મુકાદમોએ તેઓને જણાવ્યું કે, “ફારુને નિર્ણય કર્યો છે કે, તે ઈંટો પાડવા માટે તે તમને પરાળ નહિ આપે.
11તમારે જાતે જ તમારા કામ માટે પરાળ ભેગું કરી લાવવું પડશે. તેથી જાઓ, પરાળ ભેગું કરો. તોપણ તમારે બનાવવાની ઈંટોની સંખ્યાનું પ્રમાણ તો એટલું જ રહેશે. તે ઓછું કરવામાં નહિ આવે.”
12આથી લોકો પરાળ ભેગું કરવા માટે આખા મિસરમાં ફરી વળ્યા.
13મુકાદમો ધમકી આપતા જ રહ્યા કે, “અગાઉ પરાળ મળતું હતું ત્યારે રોજનું જેટલું કામ કરતા હતા તેટલું જ કામ તમારે પૂરું કરવું પડશે.”
14ફારુનના મુકાદમોએ ઇઝરાયલીઓ પર દેખરેખ માટે જે ઉપરીઓને નિયુક્ત કર્યા હતા તેઓને ખૂબ માર મારીને પૂછવામાં આવતું હતું કે, “જેટલી ઈંટો અત્યાર સુધી તમે પાડતા હતા તેટલાં પ્રમાણમાં અગાઉની માફક કેમ પૂરી કરતા નથી?”
15એટલે ઇઝરાયલીઓના ઉપરીઓ ફારુનની સમક્ષ આવીને આર્તનાદ કરવા લાગ્યા, “તમે તમારા સેવકો સાથે આવો વર્તાવ કેમ રાખો છો?
16હવે અમને પરાળ આપવામાં આવતું નથી તેમ છતાં અમને કહેવામાં આવે છે કે પૂરતી ઈંટો પાડો; જરા જુઓ તો ખરા, અમને કેવો ત્રાસ આપવામાં આવે છે! ખરેખર, વાંક તો તમારા ઉપરીઓનો જ છે.”
17ત્યારે ફારુને તેઓને ધમકાવ્યા, “તમે લોકો આળસુ થઈ ગયા છો, તેથી કહો છો કે અમને યહોવાહના યજ્ઞો કરવા જવા દો.
18હવે જાઓ, કામે લાગી જાઓ, તમને પરાળ પૂરું પાડવામાં નહિ આવે; અને ઈંટોની સંખ્યા તો નક્કી કરેલ પ્રમાણે તમારે પૂરી કરવી જ પડશે.”
19ઇઝરાયલી ઉપરીઓના ધ્યાનમાં આવ્યું કે હવે તેઓની સ્થિતિ કફોડી થવાની છે. કારણ કે તેઓ હવે અગાઉના જેટલી ઈંટો તૈયાર કરાવી શકતા નથી.
20અને પછી ફારુનની પાસેથી તેઓ પાછા આવ્યા ત્યારે રસ્તામાં ઊભેલા મૂસા અને હારુન તેઓને સામા મળ્યા.
21તેઓએ મૂસા અને હારુનને કહ્યું, “તમે શું કર્યુ છે એ યહોવાહ ધ્યાનમાં લે અને તમને શિક્ષા કરે. કારણ તમે અમને ફારુનની અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને તેઓ અમને મારી નાખે તે માટે જાણે તમે તેઓના હાથમાં તલવાર આપી છે!”
22ત્યારે મૂસાએ યહોવાહને પ્રાર્થના કરી, “હે પ્રભુ યહોવાહ, તમે આ લોકોની આવી ખરાબ હાલત શા માટે કરી? વળી તમે મને શા માટે મોકલ્યો છે?
23હે પ્રભુ, હું તમારા નામે ફારુન સાથે વાત કરવા ગયો ત્યારથી તેણે આ લોકોનું અહિત કરવા માંડ્યું છે અને તમે તમારા લોકોને બચાવવા માટે કશું કરતા નથી.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.