ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

નિર્ગમન 38

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1તેણે બાવળના લાકડામાંથી દહનીયાર્પણની વેદી બનાવી. તેની લંબાઈ પાંચ હાથ, તેની પહોળાઈ પાંચ હાથ તથા તેની ઊંચાઈ ત્રણ હાથ હતી અને તે ચોરસ હતી.
2તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર પિત્તળનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું.
3તેણે વેદીનાં બધાં જ પાત્રો એટલે ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ત્રિપાંખિયાં અને સગડીઓને પિત્તળનાં બનાવ્યાં.
4તેણે વેદીની માટે તેની ધારની નીચે આસપાસ પિત્તળની ગૂંથેલી જાળી તેની અડધી ઊંચાઈએ પહોંચે તેવી બનાવી.
5તેણે પિત્તળની જાળીના ચાર છેડાને સારુ દાંડા રાખવાને માટે ચાર કડાં બનાવ્યાં.
6બસાલેલે બાવળના લાકડાના દાંડા બનાવીને તેને પિત્તળથી મઢી લીધા.
7વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુ પરનાં કડાંઓમાં પરોવી દીધા. તેણે તે વેદી ખોખા જેવી પોલી રાખી હતી.
8તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે સેવા કરનારી સ્ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં.
9તેણે આંગણું બનાવ્યું. તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત સો હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી.
10આ પડદાને પકડી રાખવા માટે વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા ચાંદીના બનાવેલા હતા.
11ઉત્તરની બાજુએ સો હાથ લાંબા પડદા હતા અને તેને માટે પિત્તળના વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ હતી તથા આંકડા અને સળિયા ચાંદીના હતા.
12આંગણાની પશ્ચિમ બાજુએ પચાસ હાથ લાંબા પડદા, દસ સ્તંભો તથા દસ કૂંભીઓ હતી અને આંકડા અને સળિયા ચાંદીના હતા.
13આંગણાની પૂર્વ તરફ પચાસ હાથ લાંબા પડદા હતા.
14પ્રવેશદ્વારની એક બાજુને માટે પડદા પંદર હાથનાં હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેઓની કૂંભીઓ ત્રણ હતી.
15બીજી બાજુને માટે પણ તેમ જ હતું. આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ તથા પેલી બાજુએ પંદર હાથનાં પડદા હતા. તેમના સ્તંભો ત્રણ તથા તેમની કૂંભીઓ ત્રણ હતી.
16આગણાંની આસપાસના સર્વ પડદા ઝીણા કાંતેલા શણના હતા.
17સ્તંભોને માટે કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભના આંકડા તથા દાંડીઓ ચાંદીના હતાં અને તેઓના મથાળાં ચાંદીથી મઢેલાં હતા. આંગણાના સર્વ સ્તંભ ચાંદીથી મઢેલા હતા.
18આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભરત ભરનારે બનાવેલો, ભૂરા, જાંબુડા, કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો. તેની લંબાઈ વીસ હાથ, પહોળાઈ પાંચ હાથ, એટલે આંગણાના પડદાઓના માપનો હતો.
19તેઓના ચાર સ્તંભ તથા તેઓની પિત્તળની ચાર કૂંભીઓ હતાં. તેઓના આંકડા ચાંદીના તથા તેઓના મથાળાં તથા સળિયા ચાંદીથી મઢેલાં હતાં.
20પવિત્રમંડપ તથા આંગણાના બાંધકામમાં વપરાયેલી બધી ખીલીઓ પિત્તળની બનાવેલી હતી.
21મંડપનો એટલે કે સાક્ષ્યમંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને માટે મૂસાના હુકમ પ્રમાણે હારુન યાજકના દીકરા ઈથામારની હસ્તક કરવામાં આવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે.
22જે વિષે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે સર્વ યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલે બનાવ્યું.
23તેને મદદ કરનાર દાનના કુળના અહીસામાખનો દીકરો આહોલીઆબ કોતરકામ કરનાર, નકશી કોતરનાર તથા બાહોશ કારીગર અને ભૂરા, જાંબુડા, કિરમજી ઊન તેમ જ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો.
24જે સોનું પવિત્રસ્થાનના સર્વ કામને માટે વાપરવામાં આવ્યું, એટલે અર્પણનું સોનું, તે સઘળું ઓગણત્રીસ તાલંત સાતસો ત્રીસ શેકેલ પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે હતું.
25વસ્તીગણતરીની નોંધણી વખતે સમુદાય પાસેથી મળેલ ચાંદીનું વજન એકસો તાલંત અને એક હજાર સાતસો પંચોતેર તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે હતું.
26વસ્તીગણતરીમાં વીસ વર્ષની અને તેની ઉપરની ઉંમરના જેટલા પુરુષો હતા તેઓની સંખ્યા છે લાખ ત્રણ હજાર પાંચસો પચાસ હતી, તેઓમાંથી પ્રત્યેક પુરુષ એક બેકા ચાંદી એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ ચાંદી આપી.
27પવિત્રસ્થાન માટેની અને પડદા માટેની કૂંભીઓ બનાવવામાં સો તાલંત ચાંદી વપરાઈ હતી: તેમાંથી સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની હતી.
28બાકીની એક હજાર સાતસો પંચોતેર શેકેલ ચાંદીમાંથી તેણે સ્તંભોના આંકડા બનાવ્યાં તથા તેમનાં મથાળાં મઢ્યાં તથા તેઓને સારુ સળિયા બનાવ્યાં.
29અર્પેલું પિત્તળ સિત્તેર તાલંત તથા બે હજાર ચારસો શેકેલ હતું.
30આ પિત્તળનો ઉપયોગ મુલાકાતમંડપના પ્રવેશદ્વારની કૂંભીઓ, પિત્તળની વેદી, તેની પિત્તળની જાળી, વેદીના સર્વ સાધનો,
31આસપાસના આંગણાની કૂંભીઓ, મંડપની સર્વ મેખો તથા આસપાસના આંગણાની સર્વ મેખો બનાવ્યાં.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.