ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

નિર્ગમન 34

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યહોવાહે મૂસાને કહ્યું, “પ્રથમના જેવી જ પથ્થરની બે શિલાપાટીઓ બનાવ. અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો લખેલા હતા, તે હું આ પાટીઓ પર લખીશ.
2સવારમાં સિનાઈ પર્વત ઉપર આવવા માટે તું તૈયાર રહેજે અને સિનાઈ પર્વતના શિખર પર ચઢી શિખર પર મારી રાહ જોતો ઊભો રહેજે.
3તારી સાથે કોઈ ઉપર ના આવે. તેમ જ પર્વત પર કોઈ માણસ દેખાય નહિ. તેમ જ પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે જાનવરો પણ ચરતાં હોવા જોઈએ નહિ.”
4મૂસાએ પ્રથમની પાટીઓના જેવી જ પથ્થરની બે શિલાપાટીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠ્યો અને યહોવાહે તેને જેમ કહ્યું હતું તે પ્રમાણે તેના હાથમાં શિલાપાટીઓ લઈને તે સિનાઈ પર્વત પર ચઢી ગયો.
5યહોવાહ મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ત્યાં ઊભા રહ્યા અને તેમણે પોતાનું નામ “યહોવાહ” જાહેર કર્યું.
6યહોવાહ તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “યહોવાહ, યહોવાહ દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, ક્રોધ કરવામાં ધીમા અને કરૂણાથી ભરપૂર તથા વિશ્વાસપાત્ર છું.
7હું યહોવાહ હજારો પેઢી સુધી કરૂણા રાખનાર, અન્યાય, ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર; પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી છોકરાંના છોકરાં પર બદલો વાળનાર છું.”
8મૂસાએ એકદમ જમીન પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં.
9પછી તેણે કહ્યું, “હે પ્રભુ યહોવાહ, જો હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવાહ અમારી મધ્યે ચાલે, કેમ કે આ લોકો તો હઠીલા છે. અમારો અધર્મ અને અમારાં પાપ માફ કરો અને અમોને તમારો વારસો કરી લો.”
10યહોવાહે કહ્યું, “જો, હું કરાર કરું છું. આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયાં ન હોય એવાં આશ્ચર્યકૃત્યો તારા સર્વ લોકોની આગળ હું કરીશ. જે લોકોમાં તું રહે છે તે બધા યહોવાહનું કામ જોશે, કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે.
11હું આજે તને જે આજ્ઞા આપું છું તે તું પાળ. જો હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરિઝીઓને, હિવ્વીઓને તથા યબૂસીઓને તારી આગળથી કાઢી મૂકું છું.
12જો, જે દેશમાં તું જાય તેના રહેવાસીઓ સાથે તું કરાર ન કરતો, રખેને તારી મધ્યે તે ફાંદારૂપ થઈ પડે.
13તેના બદલે, તમારે તેઓની વેદીઓ તોડી પાડવી, તેના સ્તંભોને ભાંગી નાખવા અને તેમની અશેરા મૂર્તિઓને કાપી નાખવી.
14કેમ કે તારે કોઈ અન્ય દેવની પૂજા કરવી નહિ, કેમ કે હું યહોવાહ છું, મારું નામ ‘ઈર્ષ્યાળુ’ છે. હું મારા માન કોઈ બીજાને આપવા ન દઉં એવો ઈશ્વર છું.
15તારે દેશના રહેવાસીઓની સાથે કરાર કરવો નહિ. તેઓ વ્યભિચાર કરે છે તથા તેમના દેવોની પાછળ ભટકી જઈને તેમના દેવોને યજ્ઞ ચઢાવે છે અને કોઈના આમંત્રણથી તું તેના અર્પણમાંથી ખાય.
16રખેને તું તેઓની દીકરીઓ સાથે તારા દીકરાઓના લગ્ન કરાવે અને તેમની દીકરીઓ વ્યભિચાર કરશે અને તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે.
17તું પોતાને માટે કોઈ દેવની ઢાળેલી મૂર્તિ ન બનાવ.
18તું બેખમીરી રોટલીનું પર્વ પાળ. જેમ મેં તને આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં નિયુક્ત કરેલ સમયના સાત દિવસો સુધી તું બેખમીરી રોટલી ખા, કેમ કે તુ આબીબ માસમાં મિસર દેશમાંથી નીકળ્યો હતો.
19સર્વ પ્રથમજનિત મારા છે, એટલે તારા સર્વ નર પશુઓ, બળદો તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિત.
20ગધેડાના પહેલા વાછરડાને તું હલવાન વડે ખંડી લે, પણ જો તેને ખંડી લેવો ન હોય તો તું તેની ગરદન ભાંગી નાખ. તારા સર્વ પ્રથમજનિત દીકરાઓને તું ખંડી લે. અને મારી આગળ કોઈ ખાલી હાથે હાજર ન થાય.
21છ દિવસ તારે કામ કરવું, પણ સાતમાં દિવસે તારે આરામ કરવો. ખેડવાના અને કાપણીના સમયે પણ તારે આરામ કરવો.
22તું અઠવાડિયાનું પર્વ, એટલે ઘઉંની કાપણીના પ્રથમ ફળનું તથા વર્ષના છેલ્લાં સંગ્રહનું પર્વ પાળ.
23દર વર્ષે તારા સઘળા પુરુષો ઇઝરાયલના ઈશ્વર યહોવાહની આગળ ત્રણવાર હાજર થાય.
24કેમ કે હું તારી આગળથી દેશ જાતિઓને હાંકી કાઢીશ અને તારી સીમાઓ વધારીશ. જ્યારે તું ત્રણવાર ઈશ્વર તારા યહોવાહની આગળ હાજર થવાને જશે, ત્યારે કોઈ પણ માણસ તારી જમીનનો લોભ કરશે નહિ.
25ખમીર સાથે તું મારા યજ્ઞનું રક્ત ન ચઢાવીશ, તેમ જ પાસ્ખા પર્વનો યજ્ઞ સવાર સુધી પડ્યો ન રહે.
26તારી જમીનનું પ્રથમ ફળ તું ઈશ્વર તારા યહોવાહના ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માતાના દૂધમાં બાફીશ નહિ.”
27યહોવાહે મૂસાને કહ્યું, “તું આ વચનો લખ, કેમ કે આ વચનો પ્રમાણે મેં તારી સાથે વાત કરી છે અને તારી તથા ઇઝરાયલીઓની સાથે કરાર કર્યો છે.”
28મૂસા ત્યાં યહોવાહ ની સાથે ચાળીસ દિવસ તથા ચાળીસ રાત હતો; તેણે રોટલી ખાધી ન હતી, તેમ જ પાણી પણ પીધું ન હતું. તેણે શિલાપાટીઓ ઉપર કરારના શબ્દો, એટલે દશ આજ્ઞાઓ લખી.
29જયારે મૂસા સિનાઈ પર્વત પરથી ઊતર્યો, ત્યારે તેના હાથમાં કરારના બે શિલાપાટીઓ હતી, મૂસા જાણતો ન હતો કે તેનો પોતાનો ચહેરો ઈશ્વર સાથે વાત કર્યાને લીધે પ્રકાશતો હતો.
30જયારે હારુન તથા સર્વ ઇઝરાયલીઓએ મૂસાને જોયો, ત્યારે તેનો ચહેરો પ્રકાશતો હતો અને તેઓ તેની પાસે આવતાં ગભરાતા હતા.
31પણ મૂસાએ તેઓને બોલાવ્યા અને હારુન તથા સભાના સર્વ અધિકારીઓ તેની પાસે આવ્યા. પછી મૂસાએ તેઓની સાથે વાત કરી.
32તે પછી સર્વ ઇઝરાયલીઓ મૂસાની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાહે જે બધી આજ્ઞાઓ આપી હતી, તે સર્વ તેણે તેઓને ફરમાવી.
33જયારે મૂસાએ તેઓની સાથે બોલવાનું પૂરું કર્યું, ત્યારે તેણે પોતાના મુખ ઉપર મુખપટ નાખ્યો.
34જ્યારે જ્યારે મૂસા યહોવાહ સમક્ષ વાત કરવા માટે તેમની સમક્ષ જતો, ત્યારે ત્યારે તે ત્યાંથી બહાર આવે ત્યાં સુધી તે મુખપટને રાખતો નહોતો. તે તંબુમાંથી બહાર આવીને પોતાને જે જે આજ્ઞાઓ મળી હતી તે તે ઇઝરાયલીઓને કહી સંભળાવતો.
35ઇઝરાયલીઓએ મૂસાનો ચહેરો જોયો, તો તેનો ચહેરો પ્રકાશતો હતો. પણ તે યહોવાહની સાથે વાત કરવાને અંદર જતો ત્યાં સુધી તે પોતાના મુખ ઉપર ફરીથી મુખપટ રાખતો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.