ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

નિર્ગમન 14

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1પછી યહોવાહે મૂસાને કહ્યું,
2“ઇઝરાયલી લોકોને કહે કે, પાછા ફરીને પીહાહીરોથની આગળ, મિગ્દોલ અને લાલસમુદ્રની વચ્ચે બઆલ-સફોનની આગળ સમુદ્રને કિનારે છાવણી કરે.
3એટલે ફારુનને એવું લાગશે કે, “ઇઝરાયલીઓ અરણ્યમાં ભૂલા પડ્યા છે અને અટવાઈ ગયા છે.”
4હું ફારુનનું હૃદય હઠીલું કરીશ, એટલે તે તમારો પીછો કરશે. પણ હું તેના લશ્કરનો પરાજય કરીને મારો મહિમા વધારીશ. ત્યારે મિસરવાસીઓ જાણશે કે, હું ઈશ્વર છું.” અને ઇઝરાયલીઓએ ઈશ્વરના કહ્યા પ્રમાણે કર્યું.
5જ્યારે મિસરના રાજાને ખબર આપવામાં આવી કે, ઇઝરાયલી લોકો જતા રહ્યા છે. ત્યારે ફારુનનું અને તેના સરદારોનું વલણ બદલાઈ ગયું. તેઓને થયું કે, “આપણે શું કર્યુ? આપણે તેઓને કેમ જવા દીધા? આપણે આપણા ગુલામોને ગુમાવ્યા છે.”
6એટલે ફારુને પોતાનો રથ અને લશ્કરને તૈયાર કર્યું.
7ફારુને પોતાના રથદળમાંથી મિસરના સૌથી શ્રેષ્ઠ છસો સરદારોને અને અન્ય રથો સહિત તેઓના સરદારોને સાથે લીધા.
8યહોવાહે મિસરના રાજા ફારુનને હઠીલો બનાવ્યો, તે પોતાનું સૈન્ય લઈને નીડર ઇઝરાયલીઓની પાછળ પડ્યો.
9મિસરના લશ્કરના અસંખ્ય ઘોડેસવારો તથા રથસવારો તથા અન્ય સૈનિકોએ ઇઝરાયલીઓનો પીછો કર્યો. અને તેઓ બઆલ-સફોનની આગળ પીહાહીરોથની પાસે સમુદ્ર કિનારે છાવણીમાં તેઓની નજીક આવી પહોંચ્યા.
10ફારુન તેઓની નજીક આવી પહોંચ્યો, તે જોઈને ઇઝરાયલીઓને ખબર પડી કે મિસરીઓ તેઓની પાછળ પડ્યા છે! તેથી તેઓ ખૂબ ભયભીત થયા અને તેઓએ સહાય માટે યહોવાહને પોકાર કર્યો.
11તેઓએ મૂસાને કહ્યું, “તું અમને શા માટે મિસરમાંથી બહાર લાવ્યો છે? શું મિસરમાં કબરો નહોતી? તું તો અમને આ રણપ્રદેશમાં મરવા માટે લાવ્યો છે. શાંતિપૂર્વક મૃત્યુ પામવા અમારે માટે મિસરમાં ઘણી કબરો હતી.
12અમે મિસરમાં જ તને નહોતું કહ્યું કે, ‘અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દે, મિસરવાસીઓની સેવા કરવા દે? અમારે માટે અહીં અરણ્યમાં મરવા કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી એ વધારે સારું હતું.”
13પરંતુ મૂસાએ લોકોને આશ્વાસન આપ્યું, “ગભરાશો નહિ. જ્યાં છો ત્યાં જ મક્કમતાપૂર્વક ઊભા રહો અને જુઓ કે આજે યહોવાહ તમારો કેવી અજાયબ રીતે બચાવ કરે છે! જે મિસરવાસીઓને તમે અત્યારે જુઓ છો તેઓ હવે પછી ક્યારેય તમને દેખાશે નહિ.
14તમારે તો આંગળી પણ અડાડવાની નથી; માત્ર જોયા કરવાનું છે. યહોવાહ તમારે માટે યુદ્ધ કરશે.”
15પછી યહોવાહે મૂસાને કહ્યું, “મને પોકારો કરવાની શી જરૂર છે? ઇઝરાયલી લોકોને કહે કે આગળ કૂચ કરે, પ્રવાસ ચાલુ રાખે.
16તું તારી લાકડીને રાતા સમુદ્ર પર ઊંચી કર. તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ અને સમુદ્ર બે ભાગ થઈ જશે. ઇઝરાયલ લોકો સમુદ્રની કોરી જમીન પર થઈને સમુદ્ર પાર કરશે.
17પછી હું મિસરવાસીઓને હઠીલા અને આવેશી બનાવીશ. એટલે તેઓ તમારા પર સમુદ્ર તરફ ધસી આવશે. ફારુનને, તેના રથસવારો, ઘોડેસવારો અને સમગ્ર સૈન્યને હું નષ્ટ કરીશ. તેઓ મારું ગૌરવ નિહાળશે.
18ત્યારે ફારુન અને તેના સૈન્ય સહિત સમગ્ર મિસરવાસીઓને ખબર પડશે કે હું યહોવાહ છું.”
19પછી ઇઝરાયલી સૈન્યની આગળ ચાલતો યહોવાહનો જે દૂત હતો તે ત્યાંથી ખસીને તેઓની પાછળ ગયો, તેથી મેઘસ્તંભ પણ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો.
20આ રીતે મેઘસ્તંભ મિસરીઓના સૈન્ય અને ઇઝરાયલીઓના સૈન્યની વચ્ચે આવીને થંભ્યો. ત્યારે વાદળો અને અંધકાર હોવા છતાં મેઘસ્તંભ પણ રાત્રે ઇઝરાયલીઓને પ્રકાશ આપતો હતો. મિસરની સેના માટે સમગ્ર રાત્રી દરમિયાન અંધકાર હોવાને લીધે તે ઇઝરાયલીઓ પાસે આવી શકી નહિ.
21મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ્યો, એટલે યહોવાહે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ કોરી જમીન બનાવી હતી.
22ઇઝરાયલી લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રમાં થઈને પાર ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની દીવાલો બની ગઈ હતી.
23મિસરીઓ તેઓની પાછળ પડયા. ફારુનના બધા જ રથસવારો, ઘોડેસવારો તથા અન્ય સૈનિકો તેઓની પાછળ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા.
24પછી પ્રભાતના પ્રથમ પહોરમાં અગ્નિસ્તંભ તથા મેઘસ્તંભમાંથી યહોવાહે મિસરીઓના સૈન્ય પર નજર કરી. તેઓના પર હુમલો કર્યો. તેઓનો પરાજય કર્યો.
25યહોવાહે તેઓના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે તે ફરી શકતાં ન હતાં. આથી મિસરના સૈનિકો બૂમ પાડવા લાગ્યા, “આ તો યહોવાહ પોતે ઇઝરાયલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યા છે. ચાલો, આપણે પાછા જતા રહીએ.”
26પછી યહોવાહે મૂસાને કહ્યું, “હવે તું તારો હાથ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ. જેથી મિસરવાસીઓ પર, તેમના રથસવારો પર અને તેઓના ઘોડેસવારો પર પાણી ફરી વળે.”
27એટલે તે પરોઢ થવાના સમયે મૂસાએ સમુદ્ર પર હાથ લંબાવ્યો ત્યારે સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં પાછો આવી ગયો. મિસરના સૈન્યએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી પણ યહોવાહે તેઓને સમુદ્રમાં વચ્ચોવચ્ચ ડુબાવી માર્યા.
28સમુદ્રના પાણીએ પાછાં વળીને રથસવારોને, ઘોડેસવારોને અને ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી કોઈ બચી શક્યું નહિ.
29પરંતુ ઇઝરાયલના લોકો તો સમુદ્રની વચ્ચેથી કોરી ભૂમિ પર થઈને પસાર થઈ ગયા. તેઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીંતો થઈ ગઈ હતી.
30આ રીતે તે દિવસે યહોવાહે ઇઝરાયલીઓને મિસરીઓના હાથમાંથી બચાવી લીધા. અને ઇઝરાયલીઓએ સમુદ્ર કિનારે મિસરીઓના મૃતદેહો પડેલા જોયા.
31અને યહોવાહે મિસરીઓ વિરુદ્ધ જે પરાક્રમ કર્યું હતું તે જોઈને ઇઝરાયલીઓ ગભરાઈ ગયા અને યહોવાહ પર અને તેના સેવક મૂસા પર તેઓએ વિશ્વાસ કર્યો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.