ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

એસ્તેર 9

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1હવે બારમા મહિને એટલે કે અદાર મહિનાના, તેરમા દિવસે રાજાનો હુકમ અમલમાં આવવાનો હતો, તે દિવસે તો યહૂદીઓના શત્રુઓને તેઓ ઉપર સત્તા મેળવાની આશા હતી. પણ તેથી ઉલટું એવું બન્યું કે યહૂદીઓએ જ પોતાના વેરીઓ પર સત્તા મેળવી.
2તે દિવસે અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતપોતાનાં નગરોમાં એકત્ર થયા, જેથી તેઓનું નુકસાન કરવાની જે લોકો કોશિશ કરતા હતા, તેઓના પર તેઓ હુમલો કરે. પણ તેઓની વિરુદ્ધ કોઈ ઊભું રહી શક્યું નહિ કારણ કે તે સર્વ લોકોને તેઓનો ભય લાગ્યો હતો.
3અને પ્રાંતોના બધા અમલદારો, સૂબાઓ, રાજ્યપાલો, અને રાજાના વહીવટકર્તાઓએ યહૂદીઓને મદદ કરી; કારણ કે તેઓ બધા હવે મોર્દખાયથી બીતા હતા.
4મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયેલો હતો. એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઈ.
5યહૂદીઓએ પોતાના સર્વ શત્રુઓનો તલવારથી સંહાર કરીને તેઓનો નાશ કર્યો અને પોતાના વિરોધીઓ સાથે તેઓએ પોતાની મરજીમાં આવે તેવું વર્તન કર્યુ.
6સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસોને મારીને તેઓનો નાશ કર્યો.
7વળી તેઓએ પાર્શાન્દાથાને, દાલ્ફોનને, આસ્પાથાને,
8પોરાથાને, અદાલ્યાને, અરિદાથાને,
9પાર્માશતાને, અરિસાયને, અરિદાયને તથા વાઈઝાથાને,
10એટલે યહૂદીઓના શત્રુ હામ્મદાથાના પુત્ર હામાનનો દસે પુત્રોને મારી નાખ્યા; પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.
11સૂસામાં મારી નાખવામાં આવેલા માણસોની સંખ્યા તે જ દિવસે રાજાને જાહેર કરવામાં આવી.
12રાજાએ એસ્તેર રાણીને કહ્યું, “સૂસાના મહેલમાં યહૂદીઓએ પાંચસો માણસો અને હામાનના દસ પુત્રોને મારી નાખ્યા છે, તો પછી તેઓએ રાજ્યના બીજા પ્રાંતોમાં કોણ જાણે શું કર્યું હશે? હવે તારી શી અરજ છે? તે પ્રમાણે તને બક્ષવામાં આવશે. તારી બીજી શી વિનંતી છે? તે પણ મંજૂર થશે.”
13ત્યારે એસ્તેરે તેને કહ્યું કે, “જો રાજા આપની મરજી હોય તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે કરવા દેવું જોઈએ અને હામાનના દસે પુત્રોને ફાંસીએ લટકાવવા જોઈએ.”
14રાજાએ તે પ્રમાણે કરવાની આજ્ઞા આપી અને સૂસામાં એવો હુકમ જાહેર કરવામાં આવ્યો. અને હામાનના દશે પુત્રોને તેઓએ ફાંસી પર લટકાવ્યા.
15સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાને ચૌદમે દિવસે પણ એકત્ર થયા. તેઓએ સૂસામાં ત્રણસો માણસોને મારી નાખ્યા. પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.
16રાજાના પ્રાંતોમાં વસતા બાકીના યહૂદીઓ પણ પોતાનો બચાવ કરવા અને શત્રુઓથી છુટકારો મેળવવા માટે ભેગા થયા. પોતાના શત્રુઓ પર તેઓએ વેર વાળ્યું. તેઓએ પંચોતેર હજારને મારી નાખ્યા. પણ લૂંટફાટ ચલાવી નહિ.
17અદાર મહિનાના તેરમા દિવસે એવું બન્યું: ચૌદમે દિવસે તેઓએ વિશ્રાંતી લીધી. અને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો.
18પણ સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાના તેરમા તથા તેના ચૌદમા દિવસે એકત્ર થયા. પંદરમીએ તેઓએ આરામ ભોગવીને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો.
19આ કારણથી જે ગ્રામ્ય યહૂદીઓ કોટ વિનાનાં ગામોમાં રહે છે, તેઓ અદાર મહીનાના ચૌદમા દિવસને ઉત્સવના દિવસ તરીકે અને એકબીજાને ભેટો મોકલવાના દિવસ તરીકે ઊજવે છે.
20મોર્દખાયે અહાશ્વેરોશ રાજાના નજીકના તેમ જ દૂરના પ્રાંતોના સર્વ યહૂદીઓ પર પત્રો મોકલ્યા.
21તેણે જણાવ્યું કે, અદાર મહિનાને ચૌદમે અને પંદરમે દિવસે તમારે વરસોવરસ તહેવાર ઊજવવા.
22કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેઓના શત્રુઓ તરફથી નિરાંત મળી હતી. અને તે મહિનો તેઓને માટે દુઃખને બદલે આનંદનો તથા શોકને બદલે હર્ષનો થઈ ગયો હતો. તમારે તે દિવસોને મિજબાનીના, આનંદના, એકબીજાને ભેટ આપવાના તથા ગરીબોને દાન આપવાના દિવસો ગણવા.
23તેઓએ પોતે જે કરવા માંડ્યું હતું તથા મોર્દખાયે તેઓ ઉપર જે લખ્યું હતું તે પ્રમાણે કરવાનું યહૂદીઓએ સ્વીકાર્યું.
24કેમ કે સર્વ યહૂદીઓના શત્રુ અગાગી હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાની પેરવી કરી હતી. અને તેઓનો સંહાર કરીને તેઓનો વિનાશ કરવા માટે ચિઠ્ઠીઓ એટલે “પૂર” નાખી હતી.
25પરંતુ જ્યારે તે વાતની રાજાને ખબર પડી, ત્યારે તેણે પોતાના પત્રો દ્વારા આજ્ઞા કરી કે, હામાને જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરુદ્ધ યોજી હતી તેનો તેના કુટુંબીઓ જ ભોગ બને અને હામાનને તેના સંતાનો સાથે ફાંસીએ લટકાવવો જોઈએ.
26આ કારણથી તેઓએ એ દિવસોનું ‘પૂર’ ઉપરથી પૂરીમ નામ પાડ્યું છે. એથી એ પત્રના સર્વ વચનોને લીધે તથા આ બાબત વિષે જે તેઓએ જોયું હતું તથા તેઓ પર જે આવી પડ્યું હતું,
27તેને લીધે યહૂદીઓએ પોતાના તરફથી, પોતાના વંશજો તરફથી અને યહૂદીધર્મ પાળનારાઓ તરફથી પ્રતિવર્ષ આ બે દિવસો લેખ પ્રમાણે ઠરાવેલ સમયે અને મોર્દખાયની સૂચના મુજબ અચૂક ઊજવવાનું માન્ય રાખ્યું.
28એ દિવસોને વંશપરંપરાગત પ્રત્યેક કુટુંબમાં, પ્રત્યેક પ્રાંતમાં, તથા પ્રત્યેક નગરમાં ઊજવ્યાં, જેથી એ પૂરીમના દિવસો યહૂદીઓ દ્વારા ઊજવવાનું બંધ ન થાય. અને તેઓના વંશજોમાંથી તેઓનો નાશ તથા વિસ્મરણ ન થાય.
29ત્યાર બાદ પૂરીમ વિષે આ બીજો પત્ર મંજૂર થાય માટે અબિહાઈલની પુત્રી એસ્તેર રાણીએ અને યહૂદી મોર્દખાયે સંપૂર્ણ અધિકારથી પત્ર લખ્યો.
30મોર્દખાયે અહાશ્વેરોશના રાજ્યના એકસો સત્તાવીસ પ્રાંતોમાંના સર્વ યહૂદીઓને સત્ય અને સલામતીના પ્રમાણભૂત પત્રો મોકલ્યા.
31તે પત્રો એ જાણવા માટે મોકલવામાં આવ્યા હતા કે પૂરીમના દિવસો યહૂદી મોર્દખાય અને એસ્તેર રાણીએ આપેલા આદેશ પ્રમાણે અને જેમ તેઓએ પોતાને માટે તથા પોતાના સંતાનોને માટે ઉપવાસની તથા પોતાના વિલાપની બાબતમાં ઠરાવ કર્યો હતો, તે પ્રમાણે ઠરાવેલ સમયે પાળવાનો નિયમ કાયમ કરવામાં આવે.
32એસ્તેરની આજ્ઞાથી પૂરીમની આ બાબતો કાયમ કરવામાં આવી. અને પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવી.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.