ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

એફેસીઓને પત્ર 4

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો;
2સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;
3શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.
4જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે;
5એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,
6એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.
7આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.
8એ માટે તે કહે છે કે, ઊંચાણમાં ચઢીને તે ઈસુ ખ્રિસ્ત બંદીવાનોને લઈ ગયા તથા તેમણે માણસોને કૃપાદાન આપ્યાં.
9તેઓ પ્રથમ પૃથ્વીના ઊંડાણોમાં ઊતર્યા.
10જે ઊતર્યા તે ઈસુ ખ્રિસ્ત એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ સ્વર્ગો પર ઊંચે ચઢ્યાં.
11વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારુ, ખ્રિસ્તનું શરીર ઉન્નતિ કરવાને સારુ,
12તેમણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા શિક્ષકો આપ્યા;
13ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા ડહાપણના ઐક્યમાં સંપૂર્ણ પુરષત્વને, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ.
14જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.
15પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.
16એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે.
17એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છે કે, જેમ બીજા બિનયહૂદી પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો;
18તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે.
19તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.
20પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,
21જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,
22તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.
23અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.
24અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સૃજાયેલું છે તે ધારણ કરો.
25એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.
26ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો;
27અને શેતાનને સ્થાન આપો નહિ.
28ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય.
29તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું હિત સધાય.
30ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો.
31સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, અપમાન તેમ જ સર્વ પ્રકારના દુરાચાર કરવાનું બંધ કરો.
32તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી આપી તેમ તમે એકબીજાને માફ કરો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.