ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

પુનર્નિયમ 5

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1મૂસાએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેઓને કહ્યું, “હે ઇઝરાયલ, જે કાનૂનો તથા નિયમો હું તમને આજે કહી સંભળાવું છું તે સાંભળો, કે તમે તે શીખો અને તેને પાળો.
2યહોવાહ આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો હતો.
3યહોવાહે આપણા પિતૃઓ સાથે આ કરાર કર્યો નહિ પણ આપણી સાથે, એટલે કે આપણે બધા આજે અહીં હયાત છીએ તેઓની સાથે કર્યો.
4યહોવાહ પર્વત પર તમારી સાથે અગ્નિજ્વાળામાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા,
5તે સમયે યહોવાહનું વચન તમને સંભળાવવા હું તમારી અને યહોવાહની મધ્યે ઊભો રહ્યો હતો, કેમ કે, તમને અગ્નિથી ભય લાગતો હતો અને તમે પર્વત પર ગયા ન હતા. યહોવાહે કહ્યું.
6‘ગુલામીના ઘરમાંથી એટલે મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ તરીકે રહેતા હતા ત્યાંથી તમને બહાર કાઢી લાવનાર હું ઈશ્વર તારો યહોવાહ છું.
7મારી સમક્ષ તારે કોઈ પણ અન્ય દેવો હોવા જોઈએ નહિ.
8તું પોતાના માટે કોતરેલી મૂર્તિની પ્રતિમા ન બનાવ, ઉપર આકાશમાંની કે નીચે પૃથ્વીમાંની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની પ્રતિમા ન બનાવ.
9તું તેઓની આગળ નમીશ નહિ કે તેઓની પૂજા કરીશ નહિ. કેમ કે, હું યહોવાહ, તમારો ઈશ્વર, ઈર્ષ્યાળુ ઈશ્વર છું. જેઓ મારો તિરસ્કાર કરે છે, તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી પિતૃઓના અન્યાયની શિક્ષા સંતાનો પર લાવનાર,
10અને જે લોકો મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની હજારો પેઢી સુધી મારા કરાર અનુસાર તેઓના પર દયા દર્શાવનાર છું.
11તું યહોવાહ તારા ઈશ્વરનું નામ વ્યર્થ ન લે, કેમ કે, જે કોઈ યહોવાહનું નામ વ્યર્થ લે છે તેને તેઓ નિર્દોષ ગણશે નહિ.
12યહોવાહ તારા ઈશ્વરે આજ્ઞા આપી તે મુજબ વિશ્રામવારના દિવસને પવિત્ર પાળવાને તું ધ્યાન રાખ.
13છ દિવસ તું પરિશ્રમ કર અને તારું બધું કામ કર;
14પણ સાતમો દિવસ યહોવાહ તારા ઈશ્વરનો વિશ્રામવાર છે. તેમાં તારે કોઈ પણ કામ કરવું નહિ, તું, તારો દીકરો કે તારી દીકરી, તારા દાસ કે તારી દાસી, તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ અન્ય જાનવર, તારા દરવાજામાં વસતા કોઈ પણ પરદેશી આ દિવસે કશું કામ ન કરે. જેથી તારા દાસ કે દાસીઓને પણ તારી જેમ આરામ મળે.
15યાદ રાખ કે મિસર દેશમાં તું દાસ હતો, ઈશ્વર તારા યહોવાહ તેમના પરાક્રમી હાથ વડે તથા અદ્દભુત શક્તિ વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા. તે માટે ઈશ્વર તારા યહોવાહે તને વિશ્રામવાર પાળવાની આજ્ઞા આપી છે તે તારે પાળવી.
16ઈશ્વર તારા યહોવાહે તને જેમ આજ્ઞા આપી છે, તેમ તારા માતા અને પિતાનો આદર કર, કે જેથી ઈશ્વર તારા યહોવાહે તને જે દેશ આપ્યો છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય અને તારું ભલું થાય.
17તું હત્યા ન કર.
18તું વ્યભિચાર ન કર.
19તું ચોરી ન કર.
20તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.
21‘તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ, તેમ જ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડું કે અન્ય જાનવર તારા પડોશીનું જે કંઈ હોય તે પર લોભ ન રાખ.’ ”
22આ વચનો યહોવાહ પર્વત ઉપર અગ્નિજ્વાળા, વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટા સાદે તમારી આખી સભા આગળ બોલ્યા; તેમાં તેમણે કંઈ પણ વધારો કર્યો નહિ. અને ઈશ્વરે મને તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ ઉપર લખીને આપી.
23પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે અંધકારમાંથી નીકળતી વાણી તમે સાંભળી. પછી એમ થયું કે, તમારાં કુળોના સર્વ આગેવાનો અને વડીલો મારી પાસે આવ્યા.
24તમે કહ્યું કે, જો ઈશ્વર આપણા યહોવાહે આપણને પોતાનું ગૌરવ તથા માહાત્મ્ય બતાવ્યું છે. અને અગ્નિ મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે; આજે આપણે જોયું છે કે ઈશ્વર મનુષ્ય સાથે બોલે છે તેમ છતાં મનુષ્ય જીવતો રહે છે.
25તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મહાભયંકર અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે; જો અમે વધારે વાર અમારા ઈશ્વર યહોવાહની વાણી સાંભળીશું તો અમે માર્યા જઈશું.
26પૃથ્વી પર એવો કયો માણસ છે કે જેણે જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી આપણી જેમ બોલતી સાંભળી હોય અને જીવતો રહ્યો હોય?
27તું પાસે જઈને ઈશ્વર આપણા યહોવાહ જે કહે તે સાંભળ; અને ઈશ્વર આપણા યહોવાહ જે તને કહે તે અમને જણાવજે; અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું.’ ”
28જયારે તમે મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાહે તમારો અવાજ સાંભળ્યો; અને યહોવાહે મને કહ્યું કે, ‘આ લોકોએ તને જે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે સર્વ તેઓ બોલ્યા છે તે તેઓનું કહેવું ઠીક છે.
29જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે અને મારી સર્વ આજ્ઞાઓ સદા પાળે તો કેવું સારું! તેથી તે લોકો અને તેઓનાં સંતાનો સદા સુખી રહે.
30જા, તેઓને કહે કે, “તમે તમારા તંબુઓમાં પાછા જાઓ.”
31પણ તું અહીં મારી પાસે ઊભો રહે, એટલે હું તને મારી સર્વ આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો કહીશ; અને પછી તું તે લોકોને શીખવજે, એ સારુ કે જે દેશ હું તેઓને વતન કરી લેવા સારુ આપવાનો છું તેમાં તેઓ તે પાળે.
32માટે ઈશ્વર તમારા યહોવાહે તમને જે આજ્ઞાઓ આપી છે તેનું કાળજી રાખીને તેનું પાલન કરવું અને તમારે તેમાંથી ડાબે કે જમણે હાથે વળવું નહિ.
33જે માર્ગ ઈશ્વર તમારા યહોવાહે બતાવ્યો છે તેમાં જ તમારે ચાલવું. એ સારુ કે તમે જીવતા રહો અને તમારું ભલું થાય. અને જે દેશનું વતન તમે પ્રાપ્ત કરવાના છો તેમાં તમારું આયુષ્ય લાંબું થાય.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.