ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ક્લોસ્સીઓને પત્ર 1

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1ખ્રિસ્તમાં કલોસામાંના પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓને, ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પસંદ થયેલો પ્રેરિત પાઉલ અને ભાઈ તિમોથી લખે છે
2કે, ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
3કેમ કે જે દિવસથી અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારા વિશ્વાસ વિષે તથા તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલી આશાને લઈને સર્વ સંતો પરના તમારા પ્રેમ વિષે સાંભળ્યું.
4ત્યારથી અમે તમારે માટે નિત્ય પ્રાર્થના કરીને ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા છે, તેમની આભારસ્તુતિ કરીએ છીએ;
5તે આશા વિષે તમે સુવાર્તાનાં સત્ય સંદેશામાં અગાઉ સાંભળ્યું હતું;
6તે સુવાર્તા તમારી પાસે આવી છે, જે આખા દુનિયામાં ફેલાઈને ફળ આપે છે તથા વધે છે તેમ; જે દિવસથી તમે સત્યમાં ઈશ્વરની કૃપા વિશે સાંભળ્યું તથા સમજ્યા તે દિવસથી તે તમારામાં પણ ફળ આપે છે તથા વધે છે.
7એ જ પ્રમાણે વહાલા સાથીદાર એપાફ્રાસ પાસેથી તમે શીખ્યા, તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે;
8આત્મામાં તમારો જે પ્રેમ છે તે વિષે પણ તેણે અમને ખબર આપી.
9તમે સર્વ પ્રકારની આત્મિક સમજણમાં તથા બુદ્ધિ પ્રાપ્ત કરવામાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.
10તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો અને સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવો અને ઈશ્વર વિશેના જ્ઞાનમાં વધતા જાઓ.
11આનંદસહિત દરેક પ્રકારની ધીરજ તથા સહનશીલતાને માટે ઈશ્વરના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ;
12ઈશ્વરપિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય બનાવ્યા છે, તેમની આભારસ્તુતિ કરો.
13તેમણે અંધકારનાં અધિકારમાંથી આપણને છોડાવ્યાં તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા.
14તેમનાં રક્તદ્વારા આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે.
15તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે;
16કેમ કે તેમનાંથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં તથા પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો, રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં;
17તેઓ સર્વ બાબતોમાં પહેલાં છે; અને તેમનાંમાં સર્વ બાબતો વ્યવસ્થિત થઈને રહે છે.
18તેઓ શરીરનું એટલે વિશ્વાસી સમુદાયનું શિર છે; તે આરંભ, એટલે મૃત્યુ પામેલાંઓમાંથી પ્રથમ સજીવન થયેલાં છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય.
19કેમ કે તેમનાંમાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે; એવું પિતાને પસંદ પડયું;
20અને ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભના રક્તથી શાંતિ કરાવીને તેમની મારફતે તેઓ પોતાની સાથે સઘળી બાબતોનું સમાધાન કરાવે છે; પછી તે પૃથ્વી પરની હોય કે આકાશમાંની હોય.
21તમે અગાઉ ઘણે દૂર, તથા દુષ્ટ કર્મોથી તમારા મનમાં તેમના વૈરીઓ હતા, પણ તેમણે હવે પોતાના દૈહિક શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે,
22જેથી ખ્રિસ્ત તમને પવિત્ર, નિર્દોષ તથા નિષ્કલંક પોતાની આગળ રજૂ કરે;
23એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દૃઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ડગી જાઓ નહિ, તો; એ સુવાર્તા આકાશની નીચેના સર્વ મનુષ્યોને પ્રગટ કરાઈ છે; અને તે સુવાર્તાનો હું પાઉલ સેવક થયો છું.
24હવે તમારે માટે મારાં પર જે દુઃખો પડે છે તેમાં હું આનંદ પામું છું અને ખ્રિસ્તનાં સંકટો વિશે જે કઈ ખૂટતું હોય તેને હું, તેમનું શરીર જે વિશ્વાસી સમુદાય છે તેની ખાતર, મારા શરીરમાં પૂરું કરું છું;
25ઈશ્વરનું વચન સંપૂર્ણ રીતે પ્રગટ કરવાને, ઈશ્વરનો જે વહીવટ મને તમારે સારુ સોંપવામાં આવ્યો છે તે પ્રમાણે હું વિશ્વાસી સમુદાયનો સેવક નિમાયો છું;
26તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેમના સંતોને પ્રગટ થયો છે;
27બિનયહૂદીઓમાં તે મર્મના મહિમાની સમૃદ્ધિ શી છે, તે તેઓને જણાવવાં ઈશ્વરે ઇચ્છ્યું; તે મર્મ એ છે કે, ખ્રિસ્ત તમારામાં મહિમાની આશા છે.
28આ ખ્રિસ્તને અમે પ્રગટ કરીએ છીએ અને દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનથી શીખવીએ છીએ.
29તેને માટે હું પણ તેમની શક્તિ કે જે મારામાં કાર્ય કરે છે, તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.