ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

પ્રેરિતોનાં કૃત્યો 26

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1આગ્રીપાએ પાઉલને કહ્યું કે, તને તારી હકીકત જણાવવાની રજા છે; ત્યારે પાઉલે હાથ લંબાવીને પ્રત્યુત્તર આપ્યો કે
2ઓ આગ્રીપા રાજા, યહૂદીઓ જે સંબંધી મારા પર આરોપ મૂકે છે, તે બધી બાબતો વિષે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને આશીર્વાદિત ગણું છું;
3વિશેષે કરીને જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે તમે પરિચિત છો, માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.
4બાળપણથી લઈને જે વર્તન મારા પોતાના લોકમાં તથા યરુશાલેમમાં હું કરતો આવ્યો છું, તે બધા યહૂદીઓ જાણે છે.
5જો તેઓ સાક્ષી આપવા માગે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું ફરોશી હતો.
6હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે (વચન) ની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું;
7અમારાં બારે કુળો પણ (ઈશ્વરની) સેવા આતુરતાથી રાત દિવસ કરતાં તે (વચન) ની પૂર્ણતાની આશા રાખે છે; અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે!
8ઈશ્વર મરણ પામેલાઓને પાછાં ઉઠાડે, એ આપને કેમ અશક્ય લાગે છે?
9હું તો (પ્રથમ) મારા મનમાં એવું વિચારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.
10મેં યરુશાલેમમાં પણ તેમ જ કર્યું; મુખ્ય યાજકોથી અધિકાર પ્રાપ્ત કરીને સંતોમાંના ઘણાને મેં જેલમાં પુરાવ્યા, અને તેઓને મારી નખાતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધ મત આપ્યો.
11સર્વ સભાસ્થાનોમાં મેં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવા પ્રયત્ન કર્યા; તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરદેશી શહેરોમાં જઈને પણ તેઓને સતાવ્યા.
12એ કામ માટે મુખ્ય યાજકો પાસેથી અધિકાર તથા પરવાનો મેળવીને હું દમસ્કસ જતો હતો.
13ત્યારે, હે રાજા, બપોરના સમયે માર્ગમાં સૂર્યના તેજ કરતા વધારે પ્રકાશિત એવો પ્રકાશ આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાંઓની આસપાસ ચમકતો મેં જોયો.
14ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું કે, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?’ આરને લાત મારવી તને કઠણ છે.
15ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તમે કોણ છો?’ અને પ્રભુએ કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે.’ ”
16પણ ઊઠ, ઊભો થા, કેમ કે હું તને મારો સેવક ઠરાવું, અને મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, એ હેતુથી મેં તને દર્શન આપ્યું છે.
17આ લોકો તથા બિનયહૂદીઓ કે જેઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ,
18કે તું તેઓની આંખો ખોલે, તેઓને અંધકારમાંથી અજવાળામાં તથા શેતાનના અધિકાર નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, એ સારું કે તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.’ ”
19તે માટે, ઓ આગ્રીપા રાજા, એ આકાશી દર્શનને હું આધીન થયો.
20પણ પહેલાં દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા બિનયહૂદીઓને પણ ઉપદેશ આપ્યો કે તમે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં સુકૃત્યો કરો.
21એ કારણ માટે યહૂદીઓએ ભક્તિસ્થાનમાં મને પકડીને મારી નાખવાની કોશિશ કરી.
22પરંતુ ઈશ્વરના સામર્થ્યથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાના મોટાને સાક્ષી આપું છું, પ્રબોધકો તથા મૂસા જે જે બનવાની બીનાઓ વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી;
23એટલે કે ખ્રિસ્ત (મરણની) વેદના સહે અને તે પ્રથમ મરણમાંથી પાછા ઊઠ્યાંથી લોકોને તથા બિનયહૂદીઓને પ્રકાશ આપે.
24પાઉલ આ પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો, ત્યારે ફેસ્તસે મોટે અવાજે કહ્યું કે, ‘પાઉલ તું પાગલ છે, પુષ્કળ ડહાપણને કારણે તુ પાગલ થઈ ગયો છે.’ ”
25પણ પાઉલે કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેસ્તસ, હું પાગલ નથી, પણ સત્યની તથા જ્ઞાનની વાતો કહું છું.
26કેમ કે આ રાજા કે જેમની આગળ પણ હું મુક્ત રીતે બોલું છું તે એ વિષે જાણે છે, કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ વાત તેમનાથી ગુપ્ત નથી; કારણ કે એમાંનું કશું ખૂણામાં બન્યું નથી.
27હે આગ્રીપા રાજા, ‘શું આપ પ્રબોધકો (ની વાતો) પર વિશ્વાસ કરો છો?’ હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.’ ”
28ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું કે, ‘તું તો થોડા જ પ્રયાસથી તું મને ખ્રિસ્તી બનાવવા માગે છે.’ ”
29પાઉલે કહ્યું કે, ‘ઈશ્વર કરે કે ગમે તો થોડા પ્રયાસથી કે વધારેથી, એકલા આપ જ નહિ પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય, મારા જેવો થાય.’ ”
30પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં;
31તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, ‘એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.’ ”
32ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.’ ”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.