ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

પ્રેરિતોનાં કૃત્યો 17

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયા થઈને થેસ્સાલોનિકામાં આવ્યા; ત્યાં યહૂદીઓનું ભક્તિસ્થાન હતું;
2પાઉલ પોતાની રીત પ્રમાણે તેઓની (સભામાં) ગયો, ત્રણ વિશ્રામવારે તેણે ધર્મશાસ્ત્રને આધારે તેઓની સાથે વાદવિવાદ કર્યો,
3પાઉલે તેઓને ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, મરણ પામેલાઓમાંથી પાછા ઊઠવું એ જરૂરનું હતું, (અને એવું પણ કહ્યું કે) જે ઈસુને હું તમારી આગળ પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.
4ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો, તથા ઘણી પ્રતિષ્ઠિત સ્ત્રીઓ એ વાત સ્વીકારી પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં.
5પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચોકમાંના કેટલાક દુષ્કર્મીઓને સાથે લીધા, ભીડ જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકો આગળ બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.
6પણ (પાઉલ અને સિલાસ) તેઓને મળ્યા નહિ ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ખેંચી જઈને તેઓએ બૂમ પાડી કે, ‘આ લોક કે જેઓએ જગતને ઉથલપાથલ કર્યું છે તેઓ અહી પણ આવ્યા છે.
7યાસોને પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ સર્વ કાઈસારની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, ઈસુ (નામે) બીજો એક રાજા છે.’ ”
8તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા.
9ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધા.
10પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બૈરિયામાં મોકલી દીધા; અને તેઓ ત્યાં પહોંચીને યહૂદીઓના ભક્તિસ્થાનમાં ગયા.
11થેસ્સાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને, એ વચનો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્ર તપાસતા હતા.
12તેઓમાંના ઘણાંઓએ વિશ્વાસ કર્યો, આબરૂદાર ગ્રીક સ્ત્રીઓ તથા પુરુષોમાંના પણ ઘણાએ (વિશ્વાસ કર્યો).
13પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરની વાત બૈરિયામાં પણ જાહેર કરે છે ત્યારે ત્યાં પણ આવીને તેઓએ લોકોને ઉશ્કેરી મૂક્યા.
14ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર સુધી મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા.
15પણ પાઉલને મૂકવા જનારાંઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો. પછી સિલાસ તથા તિમોથી તેની પાસે વહેલી તકે આવે, એવી આજ્ઞા એમને સારુ લઈને તેઓ વિદાય થયા.
16અને પાઉલ આથેન્સમાં તેઓની રાહ જોતો હતો એટલામાં તે શહેરમાં ઠેરઠેર મૂર્તિઓને જોઈને તેનો અંતરાત્મા ઊકળી ઊઠ્યો.
17તે માટે તે ભક્તિસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે, ચોકમાં જેઓ તેને મળતા તેઓની સાથે નિત્ય વાદવિવાદ કરતો હતો.
18ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક (મત માનનારા) પંડિતોમાંના કેટલાક તેની સામા થયા, તેઓમાંના કેટલાકે કહ્યું કે, આ ગુપ્ત વાત પ્રગટ કરનાર શું કહેવા માગે છે? બીજા કેટલાકે કહ્યું કે, પારકા ઈશ્વરને પ્રગટ કરનારો દેખાય છે; કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે (નું વચન) પ્રગટ કરતો હતો.
19તેઓ તેને એરિયોપગસમાં લઈ ગયા, અને કહ્યું કે, જે નવો ઉપદેશ તું કરે છે તે અમારાથી સમજાય એમ છે?
20કેમ કે તુ અમોને કેટલીક નવીન વાતો સંભળાવે છે; માટે તેનો અર્થ અમે જાણવા ઇચ્છીએ છીએ.
21(હવે, આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ, કંઈ નવા વચન કહેવા અથવા સાંભળવા તે સિવાય બીજા કશામાં પોતાનો સમય ગાળતા ન હતા.)
22પાઉલે એરિયોપગસની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ‘આથેન્સના સદ્દગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો.
23કેમ કે જે (દેવ દેવીઓને) તમે ભજો છો તેઓને હું માર્ગોમાં ચાલતા ચાલતા જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર એવો લેખ કોતરેલો હતો કે, “અજાણ્યા દેવના માનમાં;” માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું.
24જે ઈશ્વરે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતાં નથી.
25અને જાણે તેમને કશાની ગરજ હોય એમ માણસોના હાથની સેવા તેમને જોઈએ છે એવું નહિ, કેમ કે જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે.
26તેમણે માણસોની સર્વ દેશજાતિઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારુ એકમાંથી ઉત્પન્ન કરી, તેણે તેઓને સારુ નીમેલા સમય તથા તેઓના નિવાસની સીમાઓ ઠરાવી આપી.
27એ માટે કે તેઓ ઈશ્વરને શોધે, કે કદાપિ તેઓ તેમને માટે શોધીને તેમને પામે; પરંતુ ઈશ્વર આપણામાંના કોઈથી દુર નથી.
28કેમ કે આપણે તેમનામાં જીવીએ છીએ, હાલીએ છીએ, હોઈએ છીએ, જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે કે, ‘આપણે પણ તેમના વંશજો છીએ.’ ”
29હવે આપણે ઈશ્વરના વંશજો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના કે રૂપા કે પથ્થરના જેવા છે.
30એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ઉપેક્ષા કરી ખરી; પણ હવે સર્વ સ્થળે સઘળાં માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે.
31કેમ કે તેણે એક દિવસ નિયત કર્યો છે કે જે દિવસે તે પોતાના ઠરાવેલા માણસ દ્વારા જગતનો અદલ ન્યાય કરશે; જે વિષે તેમણે તેમને મરણ પામેલાઓમાંથી સજીવન કરીને સર્વને ખાતરી કરી આપી છે.
32હવે તેઓએ મરણ પામેલાઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે મશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું કે, અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.’ ”
33એવી રીતે પાઉલ તેઓની મધ્યેથી ચાલ્યો ગયો.
34પણ કેટલાક માણસોએ પાઉલની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો; તેઓમાં અરિયોપાગસનો સભ્ય દિઓનુસીઅસ, તથા દામરિસ નામની એક સ્ત્રી, તેઓના ઉપરાંત બીજા પણ હતા.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.