ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

પ્રેરિતોનાં કૃત્યો 10

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1હવે કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સૂબેદાર હતો.
2તે તથા તેનાં ઘરનાં સર્વ માણસો ઈશ્વરનો ભય રાખતાં હતાં. તે લોકોને ઘણાં દાન આપતો અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.
3તેણે એક દિવસ બપોરે આશરે ત્રણ કલાકે દર્શનમાં ઈશ્વરના સ્વર્ગદૂતને પોતાની પાસે આવતો, તથા પોતાને, ઓ કર્નેલ્યસ, એમ કહેતો પ્રત્યક્ષ જોયો.
4ત્યારે સ્વર્ગદૂતની સામે એક નજરે જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે, પ્રભુ શું છે? સ્વર્ગદૂતે કહ્યું કે, તારી પ્રાર્થનાઓ તથા તારાં દાન ઈશ્વરની આગળ યાદગીરીને સારુ પહોંચ્યાં છે.
5હવે તું જોપ્પામાં માણસો મોકલીને સિમોન, જેનું બીજું નામ પિતર છે, તેને તેડાવ.
6સિમોન ચમાર, કે જેનું ઘર સમુદ્રકિનારે છે, તેને ત્યાં તે અતિથિ છે.
7જે સ્વર્ગદૂતે તેની સાથે વાત કરી હતી, તેના અદ્રશ્ય થઈ ગયા પછી કર્નેલ્યસે પોતાના ઘરના ચાકરોમાંના બેને, તથા જેઓ સતત તેની સમક્ષ હાજર રહેતા હતા તેઓમાંના ઈશ્વરમાં શ્રદ્ધાળુ એક સિપાઈને બોલાવ્યા.
8અને તેઓને બધી વાત કહીને તેણે તેઓને જોપ્પામાં મોકલ્યા.
9હવે તેને બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં શહેરની પાસે આવી પહોંચ્યા, તેવામાં આશરે બપોરના સમયે પિતર પ્રાર્થના કરવાને ઘરની અગાશી પર ગયો.
10તે ભૂખ્યો થયો, અને તેને ભોજન કરવાની ઇચ્છા થઈ; પરંતુ તેઓ રસોઈ તૈયાર કરતા હતા તે સમયે પિતર મૂર્છાગત થયો;
11અને સ્વર્ગ ખુલ્લું થયેલું તથા મોટી ચાદરનાં જેવું એક વાસણ તેના ચાર ખૂણાથી લટકાવેલું ધરતી પર ઊતરી આવતું તેણે નિહાળ્યું.
12તેમાં પૃથ્વી પરનાં સર્વ જાતનાં ચોપગા તથા પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ હતાં.
13ત્યારે એવી વાણી તેના સાંભળવામાં આવી કે, પિતર, ઊઠ; મારીને ખા.
14પણ પિતરે કહ્યું કે, પ્રભુ, એમ તો નહિ; કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી.
15ત્યારે બીજી વાર તેના સાંભળવામાં એવી વાણી આવી કે, ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.
16એમ ત્રણ વાર થયું; પછી તરત તે વાસણ સ્વર્ગમાં પાછું ખેંચી લેવામાં આવ્યું.
17હવે આ જે દર્શન મને થયું છે તેનો શો અર્થ હશે, એ વિષે પિતર બહુ મૂંઝાતો હતો એવામાં, જુઓ, કર્નેલ્યસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતાં પૂછતાં બારણા આગળ આવીને ઊભા રહ્યા.
18તેઓએ હાંક મારીને પૂછ્યું કે, સિમોન, જેનું બીજું નામ પિતર છે, તે શું અહીં રોકાયેલ છે?
19હવે પિતર તે દર્શન વિષે વિચાર કરતો હતો ત્યારે આત્માએ તેને કહ્યું કે, જો, ત્રણ માણસો તને શોધે છે.
20માટે તું ઊઠ અને નીચે ઊતરીને કંઈ સંદેહ રાખ્યા વિના તેઓની સાથે જા, કેમ કે મેં તેઓને મોકલ્યા છે.
21ત્યારે પિતર ઊતરીને તે માણસો પાસે ગયો, અને કહ્યું કે, જુઓ, જેને તમે શોધો છો તે હું છું, તમે શા માટે આવ્યા છો?
22ત્યારે તેઓએ કહ્યું કે, કર્નેલ્યસ નામે એક સેનાપતિ જે ન્યાયી તથા ઈશ્વરનું સન્માન જાળવનાર વ્યક્તિ છે, અને તેને વિષે આખી યહૂદી કોમ સારું બોલે છે, તેને પવિત્ર સ્વર્ગદૂતની મારફતે આજ્ઞા મળી છે કે તે તને તેના ઘરે તેડાવીને તારી વાતો સાંભળે.
23ત્યારે તેણે તેઓને અંદર બોલાવીને મહેમાન તરીકે ઘરમાં રાખ્યા. બીજા દિવસે તે તેઓની સાથે ગયો, અને જોપ્પામાંનાં કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા.
24બીજે દિવસે તેઓ કાઈસારિયા આવી પહોંચ્યા, તે સમયે કર્નેલ્યસ પોતાનાં સગાંઓને તથા પ્રિય મિત્રોને એકત્ર કરીને તેઓની રાહ જોતો હતો.
25પિતર અંદર આવ્યો ત્યારે કર્નેલ્યસ તેને મળ્યો, અને તેના ચરણે ઝૂકીને દંડવત પ્રણામ કર્યા.
26પણ પિતરે તેને ઉઠાડીને કહ્યું કે, ઊભો થા, હું પણ માણસ છું.
27તેની સાથે વાત કરતાં કરતાં પિતર અંદર ગયો, ત્યારે તેણે ઘણાંને એકઠાં થયેલાં જોયાં;
28તેણે તેઓને કહ્યું કે, તમે પોતે જાણો છો કે બીજી જાતિના માણસોની સાથે સંબંધ રાખવો, અથવા તેના ત્યાં જવું, એ યહૂદી માણસને માટે યોગ્ય નથી; પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે, મારે કોઈ વ્યક્તિને અપવિત્ર અથવા અશુદ્ધ ગણવી નહિ.
29તેથી જ જ્યારે તમે મને આમંત્રણ આપ્યું ત્યારે કંઈ આનાકાની કર્યા વગર હું આવ્યો; માટે હું પૂછું છું કે, તમે શા કારણથી મને બોલાવ્યો છે?
30કર્નેલ્યસે કહ્યું કે, ચાર દિવસ પહેલાં હું આ જ સમયે મારા ઘરમાં બપોરના ત્રણ કલાકે પ્રાર્થના કરતો હતો; ત્યારે જુઓ, તેજસ્વી પોશાક પહેરેલા એક માણસને મેં મારી સામે ઊભો રહેલો જોયો;
31તે બોલ્યો કે, કર્નેલ્યસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, અને તારાં દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યાં છે.
32માટે તું માણસને જોપ્પામાં મોકલીને સિમોન, જેનું બીજુ નામ પિતર છે, તેને તારી પાસે બોલાવ; તે સમુદ્રના કિનારે સિમોન ચમારના નિવાસસ્થાને અતિથિ છે.
33માટે મેં તરત તને બોલાવ્યો; અને તું આવ્યો તે તેં બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તને ફરમાવી છે, તે સર્વ સાંભળવા સારુ અમે સઘળા અહીં ઈશ્વરની સમક્ષ ઉપસ્થિત થયા છીએ.
34ત્યારે પિતરે પ્રવચન શરૂ કરતાં કહ્યું કે. હવે હું નિશ્ચે સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી;
35પણ દરેક દેશમાં જે કોઈ તેમનું સન્માન જાળવે છે, અને ન્યાયીપણે વર્તે છે, તેઓ તેમને માન્ય છે.
36ઈસુ ખ્રિસ્ત જે સર્વનાં પ્રભુ છે તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતા ઈશ્વરે ઇઝરાયલપુત્રોની પાસે જે વાત મોકલી,
37એટલે યોહાને બાપ્તિસ્મા પ્રગટ કર્યા પછી ગાલીલથી શરૂ કરીને આખા યહૂદિયામાં જે વાત જાહેર કરવામાં આવી તે તમે પોતે જાણો છો;
38એટલે કે નાસરેથના ઈસુની વાત કે જેમને પરમેશ્વરે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યા; તે ભલું કરતા તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજાં કરતા ફર્યા; કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.
39તેમણે યહૂદીઓના પ્રાંતમાં તથા યરુશાલેમમાં જે કાર્યો કર્યા તે સર્વના અમે સાક્ષી છીએ; વળી તેમને તેઓએ વધસ્તંભ પર જડીને મારી નાખ્યા.
40તેમને ઈશ્વરે ત્રીજા દિવસે સજીવન કર્યા, અને સર્વ લોકોની આગળ નહિ,
41પણ અગાઉથી ઈશ્વરના પસંદ કરેલા સાક્ષીઓ, જેઓએ તેમના મૃત્યુમાંથી સજીવન થયા પછી તેમની સાથે ખાધું પીધું હતું તેઓની આગળ, એટલે અમારી આગળ, તેમને પ્રગટ કર્યા.
42તેમણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો, અને સાક્ષી આપો કે, ઈશ્વર એમને જ જીવતાંના તથા મૂએલાંના ન્યાયાધીશ નીમ્યા છે.
43તેમને વિષે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તે તેમના નામથી પાપની માફી પામશે.
44પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતાં હતા તે સર્વ ઉપર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું.
45ત્યારે બિનયહૂદીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે એ જોઈને સુન્નતીઓમાંના જે વિશ્વાસીઓ પિતરની સાથે આવ્યા હતા તે સર્વ વિસ્મય પામ્યા.
46કેમ કે તેઓને અન્ય ભાષાઓમાં બોલતા, તથા ઈશ્વરની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યાં. ત્યારે પિતરે ઉત્તર આપ્યો કે,
47“આપણી માફક તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તો તેઓને પાણીનું બાપ્તિસ્મા આપવાને કોણ મના કરી શકે?”
48તેણે ઈસુ ખ્રિસ્તને નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા આપી, પછી તેઓએ કેટલાક દિવસ ત્યાં રહેવાની તેને વિનંતી કરી.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.