ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 શમુએલ 13

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1દાઉદનો દીકરો આમ્નોન તેની સાવકી બહેન તામાર પ્રત્યે મોહિત થયો. તે ખૂબ સુંદર હતી. આબ્શાલોમ તેનો સગો ભાઈ હતો. તે પણ દાઉદનો દીકરો હતો.
2આમ્નોન ખુબ હતાશ હતો અને તે પોતાની બહેન તામાર પ્રત્યેના તલસાટને કારણે બીમાર પડ્યો. તે કુંવારી હતી એટલે તેની સાથે કશું ખોટું કરવું તે આમ્નોનને મુશ્કેલ હતું.
3આમ્નોનને યોનાદાબ નામે એક મિત્ર હતો તે દાઉદના ભાઈ શિમઆનો દીકરો હતો. યોનાદાબ ઘણો હોશિયાર માણસ હતો.
4યોનાદાબે આમ્નોનને કહ્યું કે, “હે રાજકુંવર, તું દરરોજ કેમ દુઃખી રહે છે? શું તું મને નહિ કહે?” તેથી આમ્નોને તેને ઉત્તર આપ્યો, “હું મારા ભાઈ આબ્શાલોમની બહેન તામારના પ્રેમમાં પડ્યો છું.”
5પછી યોનાદાબે તેને કહ્યું કે, તું તારા “પલંગ ઉપર સૂઈ રહે અને બીમાર હોવાનો ઢોંગ કર. જયારે તારા પિતા તને જોવા આવે, ત્યારે તેને કહેજે કે, ‘કૃપા કરીને શું તમે મારી બહેન તામારને મને ખાવાને અન્ન આપવા અને મારા માટે ભોજન બનાવવા સારુ મોકલો, કે જેથી હું તેને જોઈને તેના હાથથી ખાઉં?”
6તેથી આમ્નોન સૂઈ ગયો અને બીમાર હોવાનો ઢોંગ કર્યો. રાજા તેની ખબર જોવા આવ્યો, ત્યારે આમ્નોને રાજાને કહ્યું, “કૃપા કરી મારી બહેન તામારને મોકલો, કે તે મારા દેખતાં મારે માટે થોડી રસોઈ બનાવે અને હું તેના હાથે ખાઉં.”
7ત્યારે દાઉદે તેના મહેલમાં તામારને સંદેશો કહેવડાવ્યો કે, “હમણાં તારા ભાઈ આમ્નોનને ઘરે જઈને તેને સારુ ખોરાક તૈયાર કર.”
8તેથી તામાર પોતાના ભાઈ આમ્નોનને ઘરે ગઈ. ત્યાં તે સૂઈ રહ્યો હતો. તેણે લોટ લઈને તેના દેખતાં રોટલી બનાવી અને શેકી.
9પછી તેણે તવામાંથી રોટલી લઈને તેને આપી, પણ આમ્મોને તે ખાવાની ના પાડી. પછી આમ્નોને ત્યાં હાજર રહેલાઓને કહ્યું, “સર્વ માણસોને મારી પાસેથી બહાર મોકલી દો.” તેથી સર્વ તેની પાસેથી બહાર ગયા.
10પછી આમ્નોને તામારને કહ્યું, “ખોરાક મારા ઓરડામાં લાવ કે હું તારા હાથથી તે ખાઉં.” પછી જે રોટલી તેણે બનાવી હતી તે લઈને તેના ભાઈ આમ્નોનના શયનગૃહમાં આવી.
11જયારે તે તેની પાસે ખોરાક લાવી, ત્યારે તેણે તેને પકડીને કહ્યું, “મારી બહેન, આવ, મારી સાથે સૂઈ જા.”
12તામારે તેને ઉત્તર આપ્યો કે, “નહિ, મારા ભાઈ, મારી સાથે બળજબરી કરીશ નહિ, કેમ કે આવું કશું કૃત્ય ઇઝરાયલમાં થવું ન જોઈએ. આવું આઘાતજનક કાર્ય ન કર!
13હું આ મારા જીવનમાં આબરુહીન થઈને ક્યાં જાઉં? વળી આ કૃત્યને કારણે આખા ઇઝરાયલમાં તું બહુ મોટો મૂર્ખ જેવો બનીશ. મહેરબાની કરીને, હું તને કહું છું કે તું રાજાને કહે. તે તને મારી સાથે લગ્ન કરવાની મંજૂરી આપશે.”
14પણ આમ્નોને તેનું કહેવું ગણકાર્યું નહિ. તે તેના કરતાં બળવાન હોવાથી, તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો.
15પછી આમ્નોનને તેના પર અતિશય ધિક્કાર ઉપજ્યો, તે તેને ચાહતો હતો તે કરતાં તેને વધારે તેને ધિક્કારવા લાગ્યો. આમ્નોને તેને કહ્યું, “ઊઠીને જતી રહે.”
16તેણે તેને જવાબ આપ્યો કે, “હું જવાની નથી. કારણ કે તેં મારી સાથે જે કર્યું છે તે કરતાં મને કાઢી મૂકવી એ વધારે ખરાબ છે.” પણ આમ્નોને તેનું કહેવું સાંભળ્યું નહિ.
17તેણે પોતાના અંગત ચાકરને બોલાવીને કહ્યું કે,” આ સ્ત્રીને મારી પાસેથી બહાર કાઢી મૂક અને પછીથી બારણું બંધ કર.”
18પછી તેના ચાકરોએ તેને બહાર કાઢી મૂકી અને બારણું અંદરથી બંધ કરી દીધું. તામારે નવરંગી વસ્ત્ર પહેરેલું હતું. કેમ કે રાજાની કુંવારી દીકરીઓ એવા વસ્ત્ર પહેરતી હતી.
19તામારે પોતાના માથા પર રાખ નાખી અને તેણે પહેરેલું વસ્ત્ર ફાડ્યું. તે પોતાના હાથ માથા પર મૂકીને પોક મૂકીને રડતી રડતી ચાલી ગઈ.
20તેના ભાઈ આબ્શાલોમે તેને કહ્યું કે, શું તારો ભાઈ આમ્નોને તને કશું કર્યુ છે? પણ હવે શાંત થઈ જા, મારી બહેન તે તારો ભાઈ છે. એને લીધે અંતર ખેદિત કરીશ નહિ.” તેથી તામાર પોતાના ભાઈ આબ્શાલોમના ઘરે એકલી રહી.
21પણ જયારે દાઉદ રાજાએ એ સર્વ વાતો સાંભળી, ત્યારે તે ઘણો ગુસ્સે થયો.
22આબ્શાલોમે પોતાના ભાઈ આમ્નોનને કશું કહ્યું નહિ, પણ આબ્શાલોમે તેનો તિરસ્કાર કર્યો, કારણ કે તેણે તેની બહેન તામાર ઉપર બળાત્કાર કર્યો હતો.
23બે વર્ષ થયા પછી એમ થયું કે, એફ્રાઇમે નજીકના બાલ-હાસોરમાં આબ્શાલોમ પાસે ઘેટાં કાતરનારાઓને કામે બોલાવ્યા હતા, ત્યાં આબ્શાલોમે રાજાના સર્વ કુંવરોને આમંત્રણ આપ્યું હતું.
24આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજા જો હવે, તારા દાસ પાસે ઘેટાં કાતરનારાઓ છે. કૃપા કરી, રાજા તથા તેના ચાકરોને તમારા સેવક સાથે આવવાની પરવાનગી આપો.”
25રાજાએ આબ્શાલોમને જવાબ આપ્યો કે, “નહિ, મારા દીકરા, અમે સર્વ તો નહિ આવીએ, કારણ કે અમે તને ભારરૂપ થઈએ.” આબ્શાલોમે રાજાને આગ્રહ કર્યો, પણ તે ગયો નહિ, પણ છતાં તેણે તેને આશીર્વાદ આપ્યો.
26પછી આબ્શાલોમે કહ્યું કે, “જો એમ નહિ તો, કૃપા કરી મારા ભાઈ આમ્નોનને મારી સાથે આવવા દે.” તેથી રાજાએ તેને કહ્યું, “શા માટે આમ્નોન તારી સાથે આવે?”
27આબ્શાલોમે દાઉદને આગ્રહ કર્યો અને તેથી તેણે આમ્નોનને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા.
28આબ્શાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરીને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો. જયારે આમ્નોન દ્રાક્ષારસ પીવાની શરૂઆત કરે, અને હું તમને કહું કે, ‘આમ્નોન પર હુમલો કરો,’ ત્યારે તેને મારી નાખજો. બીશો નહિ. એ મારી આજ્ઞા છે. હિંમત રાખો શૂરાતન બતાવજો.”
29તેથી આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને પૂરો કરી નાખ્યો. પછી રાજાના સઘળા પુત્રો ઊઠ્યા અને દરેક પોતપોતાના ગધેડા પર બેસીને નાસી ગયા.
30તેઓ માર્ગમાં જતા હતા, એવામાં દાઉદને એવા સમાચાર મળ્યા કે, આબ્શાલોમે તમામ રાજકુંવરોને મારી નાખ્યા છે અને તેઓમાંથી કોઈને પણ જીવતો રહેવા દીધો નથી.”
31પછી રાજાએ ઊઠીને પોતાના વસ્ત્રો ફાડ્યાં અને તે જમીન પર સૂઈ ગયો; તેની સાથે તેના સર્વ ચાકરો પણ ફાટેલાં વસ્ત્ર સાથે તેની પાસે ઊભા રહ્યા.
32પણ દાઉદના ભાઈ, શિમઆના પુત્ર, યોનાદાબે દાઉદને કહ્યું, “મારા માલિક એવું માની લેવાની જરૂર નથી. આબ્શાલોમે રાજાના સર્વ જુવાન દીકરાઓને મારી નાખ્યા છે, તમામને નહિ ફક્ત આમ્નોનને જ મારી નાખવામાં આવ્યો છે. જે દિવસે આમ્નોને તેની બહેન તામાર ઉપર બળાત્કાર કર્યો, ત્યારથી આબ્શાલોમે આ તરકટ રચ્યું હતું.
33માટે હવે રાજાના સર્વ દીકરાઓ મરણ પામ્યા છે, એમ ધારીને મારા માલિક પોતાના મનમાં દુઃખી થવું નહિ, કેમ કે, ફક્ત આમ્નોન એકલો જ મરણ પામ્યો છે.
34આબ્શાલોમ દૂર નાસી ગયો. જે ચાકર ચોકી કરતો હતો તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ પર્વતબાજુની પશ્ચિમદિશાના માર્ગેથી ઘણાં લોકો તેની પાસે આવતા હતા.
35પછી યોનાદાબે રાજાને કહ્યું કે, “જુઓ, રાજાના દીકરાઓ આવ્યા છે. જેમ મેં કહ્યું તે પ્રમાણે જ છે.”
36જયારે યોનાદાબે પોતાની વાત પૂર્ણ કરી અને તે જ સમયે રાજાના દીકરાઓ ત્યાં આવી પહોંચ્યા તેઓએ ઊંચા અવાજે રુદન કર્યું. તેઓની સાથે રાજા અને તેના સર્વ ચાકરોએ પણ વિલાપ કર્યો.
37પણ આબ્શાલોમ નાસીને ગશૂરના રાજા, આમ્મીહૂદના દીકરા તાલ્માયની પાસે ગયો. દાઉદ પોતાના દીકરાને યાદ કરીને દરરોજ આક્રંદ કરતો હતો.
38આબ્શાલોમ નાસીને ગશૂર ચાલ્યો ગયો ત્યાં તે ત્રણ વર્ષ સુધી રહ્યો.
39દાઉદ રાજાને આબ્શાલોમને મળવાની તીવ્ર ઉત્કંઠા થતી હતી, કેમ કે આમ્નોનના મરણ પછી હવે તેણે સાંત્વના અનુભવ્યું હતું.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.