ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 રાજાઓ 12

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1યેહૂની કારકિર્દીને સાતમે વર્ષે યોઆશ રાજ કરવા લાગ્યો, તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબ્યા હતું તે બેરશેબાની હતી.
2તે સર્વ દિવસોમાં યોઆશે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, કેમ કે, યહોયાદા યાજક તેને સલાહ આપતો હતો.
3પણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ. લોકો હજી સુધી ત્યાં ધૂપ બાળતા અને યજ્ઞ કરતા હતા.
4યોઆશે યાજકોને કહ્યું, “અર્પણ કરેલી વસ્તુઓના નાણાં, ચલણી નાણાં જે યહોવાહના ઘરમાં લાવવામાં છે તે, દરેક માણસ દીઠ ઠરાવેલી જકાત અને જે નાણાં લોકોને યહોવાહના ઘરમાં લાવવાનું મન થાય તે બધાં નાણાં,
5યાજકોએ તે દરેક કર ઉઘરાવનારા પાસેથી એકત્ર કરવાં, યાજકો તેમાંથી સભાસ્થાનને જ્યાં કહીં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરવામાં વાપરે.
6પણ યોઆશ રાજાના ત્રેવીસમા વર્ષ સુધી યાજકોએ ઘરમાં કંઈ સમારકામ કરાવ્યું નહિ.
7ત્યારે યોઆશ રાજાએ યહોયાદા યાજક અને બીજા યાજકોને બોલાવીને તેમને કહ્યું, “શા માટે તમે સભાસ્થાનનું સમારકામ કરાવતાં નથી? હવેથી તમારે તમારા કર ઉઘરાવનાર પાસેથી કોઈ નાણાં લેવાં નહિ, પણ જે નાણાં સભાસ્થાનના સમારકામ માટે ભેગાં કરેલાં છે તે, નાણાં જેઓ સમારકામ કરે તેને આપી દો.”
8યાજકો સંમત થયા કે અમે હવેથી લોકો પાસેથી નાણાં લઈશું નહિ તેમ જ સભાસ્થાનનું સમારકામ કરીશું નહિ.
9પછી યહોયાદા યાજકે એક મોટી પેટી લીધી, તેના ઢાંકણમાં છેદ પાડ્યો. અને તેને યહોવાહના ઘરમાં અંદરના ભાગે જમણી બાજુએ વેદીની પાસે મૂકી. લોકો જે નાણાં લાવતા હતા તે બધાં નાણાં સભાસ્થાનના દરવાજાની ચોકી કરતા યાજકો તે પેટીમાં નાખતા હતા.
10જ્યારે તેઓએ જોયું કે પેટીમાં ઘણાં નાણાં ભેગાં થયાં છે, ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક આવીને જે નાણાં યહોવાહના સભાસ્થાનમાંથી જમા થયેલાં હોય તેની ગણતરી કરતા.
11પછી તે ગણેલાં નાણાં તેઓએ યહોવાહના સભાસ્થાનના સમારકામ પર દેખરેખ રાખનારાઓના હાથમાં આપ્યાં. તેઓએ આ નાણાં સુથાર અને કડિયા કે જેઓ યહોવાહના સભાસ્થાનનું સમારકામ કરતા હતા તેઓને આપ્યાં.
12લાકડાંના વેપારીઓને, પથ્થર ટાંકનારાઓને, યહોવાહના સભાસ્થાનના સમારકામ માટે લાકડું અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે તથા સમારકામ માટે અન્ય જે બધો ખર્ચ થયો હતો તેને માટે ગણી આપ્યાં.
13પણ યહોવાહના ઘરમાં ભેગાં થયેલાં નાણાંથી તેઓએ ઘરમાં ચાંદીના પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં અથવા કોઈપણ જાતનાં સોના-ચાંદીનાં વાસણો બનાવ્યાં નહોતા.
14પણ તેઓ તે તે નાણાં યહોવાહના સભાસ્થાનનું જેઓએ સમારકામ કર્યું તેઓને જ ચૂકવ્યાં.
15તદુપરાંત, તેઓએ જે માણસોને કામ કરનારાઓને નાણાં ચૂકવવા રાખ્યા તેઓની પાસેથી હિસાબ પણ માગ્યો નહિ, કેમ કે, તે માણસો પ્રામાણિક હતા.
16પણ દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલાં નાણાં યહોવાહના ઘરમાં લાવવામાં આવતાં ન હતાં, કેમ કે, તે નાણાં યાજકોના હકનાં હતાં.
17તે સમયે અરામના રાજા હઝાએલે ગાથની સામે યુદ્ધ કરીને તેને જીતી લીધું. પછી હઝાએલ યરુશાલેમ પર હુમલો કરવા પાછો વળ્યો.
18તેથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે કે યહૂદિયાના રાજા યહોશાફાટે, યહોરામે તથા અહાઝયાહએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ, તેમ જ યહોવાહના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને તે બધું અરામના રાજા હઝાએલને મોકલ્યું. એટલે હઝાએલ યરુશાલેમથી જતો રહ્યો.
19યોઆશનાં બીજાં કાર્યો અને તેણે જે બધું કર્યું તે યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
20તેના ચાકરોએ ઊઠીને ભેગા મળીને કાવતરું કર્યું; તેઓએ યોઆશ પર મિલ્લોના ઘરમાં સિલ્લાના રસ્તા પર હુમલો કર્યો.
21શિમાથના દીકરા યોઝાખારે અને શોમેરના દીકરા યહોઝાબાદે એટલે તેના ચાકરોએ તેને માર્યો એટલે તે મરણ પામ્યો. તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફ્નાવ્યો અને તેના દીકરા અમાસ્યાએ તેની જગ્યાએ રાજ કર્યું.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.