ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

કરિંથીઓને બીજો પત્ર 6

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1અમે, તેમની સાથે કામ કરનારા, તમને વિનંતી કરીએ છીએ, કે તમે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કર્યો છે તેને વ્યર્થ થવા દેશો નહિ.
2કેમ કે તે કહે છે કે, ‘મેં માન્યકાળમાં તારું સાંભળ્યું, અને ઉદ્ધારના દિવસમાં મેં તને સહાય કરી; જુઓ, અત્યારે જ માન્યકાળ છે, અત્યારે જ ઉદ્ધારનો દિવસ છે.
3અમારા સેવાકાર્યને દોષ ન લાગે, માટે અમે કશામાં કોઈને અડચણરૂપ થતાં નથી.
4પણ અમે સર્વમાં પોતાને ઈશ્વરના સેવકોના જેવા દેખાડીએ છીએ; ઘણી ધીરજથી, વિપત્તિથી, તંગીથી, વેદનાથી,
5ફટકાઓથી, કેદખાનાંઓથી, હંગામાઓથી, કષ્ટોથી, ઉજાગરાથી, ભૂખથી,
6શુદ્ધપણાથી, જ્ઞાનથી, સહનશીલતાથી, ઉપકારીપણાથી, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રેમથી,
7સત્ય વચનથી, ઈશ્વરના પરાક્રમથી, જમણાં તથા ડાબા હાથ પર ન્યાયીપણાનાં હથિયારોથી.
8માન તથા અપમાનથી, અપકીર્તિ તથા સુકીર્તિથી; જૂઠા ગણાયેલા તોપણ સાચા;
9અજાણ્યા તોપણ નામાંકિત; મરણ નજીક તોપણ જુઓ જીવંત છીએ; શિક્ષા પામેલાઓના જેવા તોપણ મૃત્યુ પામેલા નહિ;
10શોકાતુરના જેવા તોપણ સદા આનંદ કરનારા; ગરીબો જેવા તોપણ ઘણાંઓને ધનવાન કરનારા; કંગાલ જેવા તોપણ સઘળાના માલિક છીએ.
11ઓ કરિંથીઓ, તમારે સારુ અમારું મોં ખૂલ્યું છે, અમારું હૃદય વિશાળ છે.
12તમે અમારામાં સંકુચિત થયા નથી, પણ પોતાના અંતઃકરણમાં સંકુચિત થયા છો.
13તો એને બદલે જેમ બાળકોને તેમ તમને કહું છું, તમે પણ હૃદયથી ઉદાર થાઓ.
14અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો; કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણા સાથે શો સંબંધ હોય? અને અજવાળાંને અંધકારની સાથે શી સંગત હોય?
15અને ખ્રિસ્ત સાથે શેતાનનો સંબંધ હોઈ શકે? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય?
16અને ઈશ્વરના સભાસ્થાનને મૂર્તિઓની સાથે સંબંધ હોય ખરો? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ, જેમ ઈશ્વરે કહ્યું કે, ‘હું તેઓમાં રહીશ તથા ચાલીશ; તેઓનો ઈશ્વર થઈશ; અને તેઓ મારા લોક થશે.’ ”
17માટે, ‘તમે તેઓમાંથી નીકળી આવો, અને જુદા થાઓ,’ એમ પ્રભુ કહે છે, ‘અશુદ્ધને સ્પર્શ ન કરો, અને હું તમારો સ્વીકાર કરીશ,
18અને તમારો પિતા થઈશ, અને તમે મારા દીકરાદીકરીઓ થશો, એમ સર્વસમર્થ પ્રભુ કહે છે.’ ”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.