ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 2

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1કેમ કે, હે ભાઈઓ, તમે જાણો છો કે અમારું તમારી મધ્યે આવવું નિષ્ફળ ગયું નથી.
2વળી તમે તે પણ જાણો છો કે અમે અગાઉ ફિલિપ્પીમાં દુઃખ તથા અપમાન સહ્યાં, છતાં ઘણાં વિરોધોમાં તમને ઈશ્વરની સુવાર્તા કહેવાને આપણા ઈશ્વરની સહાયથી હિંમતવાન હતા.
3કેમ કે અમારા બોધમાં ભૂલચૂક, અશુદ્ધતા કે કપટ હતાં નહિ;
4પણ જેમ ઈશ્વરે સુવાર્તા કહેવાને અમને વિશ્વાસુ ગણ્યા તેમ અમે માણસોને ખુશ કરવાને નહિ, પણ અમારાં હૃદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્ન કરવાને બોલીએ છીએ.
5તમે જાણો છો કે, ન તો અમે કદી ખુશામતનાં વચનો બોલ્યા કે ન તો દંભ કરીને દ્રવ્યલોભ રાખ્યો; ઈશ્વર સાક્ષી છે,
6ખ્રિસ્તનાં પ્રેરિત તરીકે અમારો અધિકાર હતો, તોપણ માણસોથી, એટલે કે, તમારાથી કે કોઈ બીજાથી, અમે માન માગતા નહોતા.
7પણ જેમ દૂધ પાનાર મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે કોમળતાથી વર્ત્યા હતા.
8કેમ કે તમારી ઉપર સ્નેહ હોવાથી અમે તમને કેવળ ઈશ્વરની સુવાર્તા જ નહિ, પણ પોતાનો જીવ આપવાને પણ રાજી હતા, કેમ કે તમે અમને ઘણાં જ પ્રિય થઈ પડ્યા હતા.
9ભાઈઓ, તમને અમારો શ્રમ તથા કષ્ટ યાદ છે, કેમ કે તમારામાંના કોઈ પર બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી.
10તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, ન્યાયીપણાથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા; તે વિષે તમે અને ઈશ્વર સાક્ષી છો.
11તે પ્રમાણે તમે જાણો છો, કે જેમ પિતા પોતાનાં બાળકોને, તેમ અમે તમારામાંના પ્રત્યેકને બોધ, દિલાસો તથા સાક્ષી આપતા હતા,
12કે જેથી, ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેને યોગ્ય થઈને તમે ચાલો.
13અમે એટલા માટે ઈશ્વરની ઉપકારસ્તુતિ નિરંતર કરીએ છીએ કે, જયારે તમે અમારી પાસેથી ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચનની જેમ નહિ, પણ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું; તે વચન તમો વિશ્વાસીઓમાં કાર્યરત છે.
14ભાઈઓ, ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે મંડળી યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનાર તમે થયા; કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુઃખ સહ્યાં તેમ તમે પણ પોતાના દેશના લોકો તરફથી તેવા જ દુઃખ સહ્યાં છે.
15યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમારી સતાવણી કરી; તેઓ ઈશ્વરને પ્રસન્ન કરતા નથી અને સઘળા લોકોના વિરોધી છે;
16બિનયહૂદીઓ ઉદ્ધાર ન પામે તે માટે તે યહૂદીઓ અમને વચન કહેતાં રોકે છે; તેથી તેઓ નિરંતર પોતાનાં પાપની વૃદ્ધિ કરે છે, પણ તેઓ પર અત્યંત કોપ આવ્યો છે.
17પણ ભાઈઓ, અમે મનથી તો નહિ, પણ દેહથી તમારી પાસેથી થોડા સમય માટે દૂર થવાને લીધે, ઘણી આતુરતાથી તમારાં મુખ જોવાને માટે ઘણાં પ્રયત્નો કર્યા.
18એ માટે અમે, એટલે ખાસ કરીને મેં પાઉલે, વારંવાર તમારી પાસે આવવાને ઇચ્છા કરી, પણ શેતાને અમને અટકાવ્યા.
19કેમ કે અમારી આશા, આનંદ કે ગૌરવનો મુગટ શું છે? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આવવાની વેળાએ તેમની આગળ અન્યોની જેમ તમે પણ એ મુગટ નથી?
20નિ:સંદેહ, તમે અમારો મહિમા તથા આનંદ છો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.