ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 રાજાઓ 17

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1બહારથી આવી ને ગિલ્યાદ માં વસેલાં તિશ્બી એલિયા આહાબને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, જેઓ જીવંત છે, જેની સંમુખ હું ઊભો રહું છું, તેના જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વર્ષોમાં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ વરસશે નહિ.”
2ત્યાર બાદ એલિયા પાસે યહોવાહનું એવું વચન આવ્યું કે,
3“આ જગ્યા છોડીને તું પૂર્વ તરફ જા, યર્દન નદીની બાજુમાં કરીંથના નાળાં પાસે સંતાઈ રહે.
4એમ થશે કે તું ઝરણાનું પાણી પીશે અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તારે માટે ત્યાં ખોરાક પૂરો પાડે.”
5તેથી તેણે યહોવાહની આજ્ઞા પ્રમાણે કર્યું. તે યર્દનની પૂર્વ તરફ આવેલા કરીંથના નાળાં પાસે ગયો.
6કાગડાઓ સવાર સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા હતા અને નાળાંમાંથી તે પાણી પીતો હતો.
7પણ થોડા સમય પછી, નાળાનું પાણી સુકાઈ ગયું. કેમ કે દેશમાં કોઈ સ્થળે વરસાદ વરસ્યો ન હતો.
8પછી યહોવાહનું વચન એલિયા પાસે આવ્યું કે,
9“તું ઊઠ અને સિદોન નગરની પાસેના સારફતમાં જઈને રહે. જો, ત્યાં એક વિધવા સ્ત્રી રહે છે, તેને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે.”
10તેથી તે સારફત ચાલ્યો ગયો, જયારે તે નગરના પ્રવેશદ્વારે પહોંચ્યો ત્યારે તેણે એક વિધવા સ્ત્રીને લાકડાં વીણતી જોઈ, તેણે તેને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મારે પીવા સારુ તું મને કૂજામાં થોડું પાણી લાવી આપ.”
11તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને હાંક મારીને કહ્યું, “મારે સારુ રોટલીનો ટુકડો પણ લેતી આવજે.”
12પણ તે વિધવાએ જવાબ આપ્યો, “તારા ઈશ્વર યહોવાહની હાજરીમાં હું કહું છું કે મારી પાસે રોટલી નથી પણ માટલીમાં ફક્ત એક મુઠ્ઠી લોટ અને કૂંડીમાં થોડું તેલ છે. જો હું અહીં થોડાં લાકડાં વીણવા આવી છું, જેથી હું જઈને મારે માટે અને મારા પુત્ર માટે કંઈ રાંધુ કે જેથી અમે તે ખાઈએ અને પછીથી ભૂખે મરીએ.”
13એલિયાએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ. જઈને તારા કહેવા પ્રમાણે કર, પણ પહેલાં મારા માટે તેમાંથી એક નાની રોટલી બનાવીને મારી પાસે અહીં લઈ આવ. પછી તારા માટે તથા તારા દીકરા માટે બનાવજે.
14કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘દિવસે હું ભૂમિ પર વરસાદ વરસાવીશ, ત્યાં સુધી માટલીમાંનો લોટ અને કૂંડીમાંનું તેલ ખૂટી જશે નહિ.’ ”
15આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યું. અને એલિયાએ, તે સ્ત્રીએ તથા તેના દીકરાએ ઘણા દિવસો સુધી ખાધું.
16યહોવાહ પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો લોટ તથા કૂંડીમાંનું તેલ ખૂટી ગયું નહિ.
17ત્યાર બાદ તે સ્ત્રીનો દીકરો માંદો પડ્યો. તેની બીમારી એટલી બધી ભારે હતી કે આખરે તેનો શ્વાસ બંધ પડી ગયો.
18તેથી તેની માતાએ એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત તારે મારી વિરુદ્ધ શું છે? તું મારાં પાપનું સ્મરણ કરાવવાં તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યો છે!”
19પછી એલિયાએ તેને જવાબ આપ્યો, “તારો દીકરો મને આપ.” તેણે તે છોકરાંને તેની માતાની ગોદમાંથી લીધો. અને જે ઓરડીમાં તે પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈને પોતાના પલંગ પર સુવડાવ્યો.
20તેણે યહોવાહને પ્રાર્થના કરતાં કહ્યું, “હે મારા ઈશ્વર યહોવાહ, જે વિધવાને ત્યાં હું રહું છું, તેના દીકરાને મારી નાખીને તેના પર તમે આપત્તિ લાવ્યા છો શું?”
21પછી એલિયાએ તે છોકરા પર સૂઈ જઈને ત્રણ વાર યહોવાહને પ્રાર્થના કરી કે, “ઓ મારા ઈશ્વર યહોવાહ, હું તમને વિનંતિ કરું છું, કૃપા કરી આ બાળકનો જીવ તેનામાં પાછો આવવા દો.”
22યહોવાહે એલિયાની વિનંતિ સાંભળી; તે બાળકનો જીવ તેનામાં પાછો આવ્યો અને તે સજીવન થયો.
23એલિયા તે બાળકને લઈને ઉપરની ઓરડીમાંથી નીચેના ઘરમાં આવ્યો; તે છોકરાંને તેની માતાને સોંપીને બોલ્યો કે, “જો, તારો દીકરો જીવતો છે.”
24તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હવે હું જાણું છું કે તું ઈશ્વરભક્ત છે અને તારા મુખમાં યહોવાહનું જે વચન છે તે સત્ય છે.”
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.