ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 રાજાઓ 11

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1હવે સુલેમાન રાજાને ફારુનની દીકરી ઉપરાંત બીજી ઘણી વિદેશી સ્ત્રીઓ એટલે મોઆબી, આમ્મોની, અદોમી, સિદોની તથા હિત્તી સ્ત્રીઓ સાથે પ્રેમ થયો હતો.
2જે પ્રજાઓ વિષે યહોવાહે ઇઝરાયલી લોકોને કહ્યું હતું, “તમારે તેઓની સ્ત્રીઓ સાથે લગ્ન કરવા નહિ, તેમ તેઓ તમારા પરિવારમાં આવે નહિ, કેમ કે તેઓ જરૂર તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે.” પણ સુલેમાન તે વિદેશી સ્ત્રીઓને વળગી રહ્યો.
3સુલેમાનને રાજવંશમાંની સાતસો પત્નીઓ અને ત્રણસો ઉપપત્નીઓ હતી. તેની પત્નીઓએ તેનું હૃદય ફેરવી નાખ્યું.
4સુલેમાનની વૃદ્ધાવસ્થામાં તેની પત્નીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ વાળી દીધું. અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ તેના ઈશ્વર યહોવાહ પ્રત્યે સંપૂર્ણ રહ્યું નહિ.
5સુલેમાન સિદોનીઓની દેવી આશ્તારોથનો તથા આમ્મોનીઓના ધિક્કારપાત્ર મિલ્કોમ દેવનો પૂજારી થયો.
6આ રીતે સુલેમાને ઈશ્વરની દ્રષ્ટિમાં અઘટિત કાર્ય કર્યું અને તેના પિતા દાઉદની જેમ તે સંપૂર્ણ હૃદયથી ઈશ્વરને અનુસર્યા નહિ.
7પછી સુલેમાને મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ મોલેખ માટે યરુશાલેમની નજીક આવેલા પર્વત પર એક ઉચ્ચસ્થાન બંધાવ્યું.
8તેણે પોતાની સર્વ વિદેશી પત્નીઓ માટે પણ એમ જ કર્યું. તેઓ પોતપોતાના દેવોની આગળ ધૂપ બાળતી તથા યજ્ઞ કરતી હતી.
9ઈશ્વર સુલેમાન પર ખૂબ કોપાયમાન થયા. કારણ કે ઈશ્વરે તેને બે વખત દર્શન આપ્યાં છતાં તેણે પોતાનું હૃદય ઇઝરાયલના ઈશ્વરથી ફેરવી લીધું હતું.
10અને તેમણે તેને આજ્ઞા આપી હતી કે તેણે અન્ય દેવની પૂજા કરવી નહિ તેમ છતાં તેણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું નહિ.
11તેથી ઈશ્વરે સુલેમાનને કહ્યું, “કેમ કે તેં આ કર્યું છે અને આપણી વચ્ચે થયેલા કરાર તથા વિધિઓનું પાલન તેં કર્યું નથી અને મારી આજ્ઞા માની નથી, તેથી હું તારી પાસેથી રાજય ખૂંચવી લઈશ અને તારા ચાકરને તે આપીશ.
12તેમ છતાં તારા પિતા દાઉદને કારણે તું જીવતો રહીશ ત્યાં સુધી હું આ નહિ કરું, પરંતુ તારા પુત્રના હાથમાંથી હું રાજય ખૂંચવી લઈશ.
13તેમ છતાં પણ હું આખું રાજય નહિ લઈ લઉં; પરંતુ હું મારા સેવક દાઉદને તથા યરુશાલેમ જેને મેં પસંદ કર્યું છે તેને અર્થે હું તારા પુત્રને એક કુળ આપીશ.”
14પછી ઈશ્વરે અદોમી હદાદને સુલેમાનના શત્રુ તરીકે ઊભો કર્યો, તે રાજવંશનો હતો.
15જ્યારે દાઉદ અદોમમાં હતો અને સેનાપતિ યોઆબ મારી નંખાયેલાઓને દફનાવવા ત્યાં ગયો હતો ત્યારે તેણે અદોમના દરેક પુરુષને મારી નાખ્યા હતા.
16અદોમના દરેક પુરુષને મારી નાખતા સુધી એટલે કે છ મહિના સુધી યોઆબ અને સર્વ ઇઝરાયલીઓ ત્યાં જ રહ્યા હતા.
17પણ હદાદ, તે વખતે બાળક હતો, તે તેના પિતાના કેટલાક ચાકરોમાંના અદોમી માણસોની સાથે મિસર ભાગી ગયો હતો.
18તેઓ મિદ્યાનમાંથી નીકળીને પારાનમાં ગયા. પારાનમાં તેઓએ થોડા માણસોને ભેગા કર્યા. ત્યાંથી તેઓ સર્વ મિસર ગયા અને ત્યાં મિસરના રાજા ફારુને તેઓના ખોરાકની અને રહેવાની જગ્યાની વ્યવસ્થા કરી અને તેમને અમુક જમીન ભેટ તરીકે આપી.
19હદાદ ફારુનની દ્રષ્ટિમાં કૃપા પામ્યો અને તેથી તેણે તેની પત્ની રાણી તાહપાનેસની બહેનનું લગ્ન હદાદ સાથે કર્યું.
20તાહપાનેસની બહેને હદાદના પુત્ર ગનુબાથને જન્મ આપ્યો અને તેને તાહપાનેસે ફારુનના રાજમહેલમાં ઉછેરી મોટો કર્યો, તે ફારુનનાં બાળકો સાથે જ રહેતો.
21જયારે હદાદને મિસરમાં સમાચાર મળ્યા કે દાઉદ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો છે અને તેનો સેનાપતિ યોઆબ પણ મૃત્યુ પામ્યો છે, ત્યારે તેણે ફારુનને કહ્યું, “મને અહીંથી વિદાય કર કે જેથી હું મારા પોતાના દેશમાં પાછો જાઉં.”
22પરંતુ ફારુને કહ્યું, “મારા ત્યાં તને શી ખોટ પડી છે કે તું તારા દેશમાં પાછો જવા માગે છે?” હદાદે કહ્યું, “ખોટ તો કશી પડી નથી, તોપણ મને જવા દે.”
23ઈશ્વરે સુલેમાનની વિરુદ્ધ એક બીજો શત્રુ ઊભો કર્યો. તે એલ્યાદાનો પુત્ર રઝોન હતો. જે તેના માલિક સોબાહના રાજા હદાદેઝેર પાસેથી નાસી ગયો હતો.
24એ સમયે જ્યારે દાઉદે સોબાહ પર હુમલો કર્યો ત્યારે રઝોને પોતાની સાથે કેટલાક માણસોને ભેગા કર્યા અને પોતે તેનો સરદાર બની ગયો. ત્યાંથી તેઓએ દમસ્કસ જઈને વસવાટ કર્યો અને રઝોને દમસ્કસમાં રાજ કર્યું.
25સુલેમાનના સર્વ દિવસો દરમિયાન તે ઇઝરાયલનો શત્રુ થઈને રહ્યો અને તેની સાથે હદાદે પણ નુકશાન કર્યું. રઝોનને ઇઝરાયલ પર તિરસ્કાર હતો અને તેણે અરામ પર રાજ કર્યું.
26પછી ઝેરેદાહના એફ્રાઇમી નબાટનો દીકરો યરોબામ સુલેમાનનો એક ચાકર હતો, જેની માનું નામ સરુઆ હતું, જે વિધવા હતી. તેણે પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો હતો.
27યરોબામે સુલેમાન રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવ્યો તેનું કારણ એ છે કે સુલેમાન મિલ્લોનગરનું બાંધકામ કરતો હતો અને પોતાના પિતા દાઉદના નગરની દીવાલનું સમારકામ કરાવતો હતો.
28આ યરોબામ પરાક્રમી માણસ હતો. સુલેમાને જોયું કે તે યુવાન માણસ ઉદ્યોગી હતો તેથી તેણે તેને યૂસફના ઘરના મજૂરોનો મુકાદમ ઠરાવ્યો.
29તે સમયે, જ્યારે યરોબામ યરુશાલેમની બહાર ગયો ત્યારે શીલોનો પ્રબોધક અહિયા એને રસ્તામાં મળ્યો. અહિયાએ નવાં વસ્ત્ર પહેર્યાં હતાં, અને તેઓ બન્ને ખેતરમાં તદ્દન એકલા જ હતા.
30પછી અહિયાએ પોતે પહેરેલા નવા વસ્ત્રને પકડીને, તેને ફાડીને બાર ટુકડાં કરી નાખ્યા.
31પછી તેણે યરોબામને કહ્યું કે, “આમાંથી દસ ટુકડાં લે, કારણ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે, ‘જુઓ, સુલેમાનના હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને હું તને દસ કુળ આપીશ.
32પણ મારા સેવક દાઉદ તથા યરુશાલેમ નગર કે જેને મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેની ખાતર હું સુલેમાનને એક કુળ આપીશ.
33કારણ કે તેણે મારો ત્યાગ કર્યો છે અને સિદોનીઓની દેવી આશ્તારોથ, મોઆબના દેવ કમોશ અને આમ્મોનીઓના દેવ મિલ્કોમની પૂજા કરી છે. તે મારા માર્ગે ચાલ્યો નથી અને મારી દ્રષ્ટિમાં જે સારું છે, તે તેણે કર્યું નહિ અને તેના પિતા દાઉદે જેમ મારા બધા વિધિઓ અને આજ્ઞાઓ પાળ્યા હતા, તે પ્રમાણે તેઓએ તેનું પાલન કર્યું નહિ.
34તેમ છતાં પણ મારા પસંદ કરેલા સેવક દાઉદે મારા વિધિઓ તથા આજ્ઞાઓનું પાલન કરેલું હોવાને લીધે, હમણાં હું સુલેમાન પાસેથી આખું રાજય ખૂંચવી લઈશ નહિ, પણ તેના બાકીના જીવનકાળ દરમિયાન તે રાજ્ય કરશે.
35પરંતુ હું તેના પુત્રના હાથમાંથી રાજય લઈ લઈશ અને તને દસ કુળ આપીશ.
36સુલેમાનના પુત્રને હું એક જ કુળ આપીશ, જેથી યરુશાલેમ નગર કે જેને મારું નામ રાખવા પસંદ કર્યું છે તેમાં મારા સેવક દાઉદનો દીવો મારી આગળ સદા સળગતો રહે.
37હું તારો સ્વીકાર કરીશ અને તું તારા મનની સઘળી ઇચ્છાઓ અનુસાર રાજ કરશે. તું ઇઝરાયલનો રાજા થશે.
38જો તું મારી બધી આજ્ઞાઓનું પાલન કરીને અને મારા સેવક દાઉદની જેમ મારી દ્રષ્ટિમાં જે સારું છે તે કરશે તથા મારા બધા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરશે, મારે માર્ગે ચાલશે તો હું તારી સાથે રહીશ, જેમ મેં દાઉદની માટે અવિચળ ઘર બાંધ્યું તેમ તારા માટે પણ બાંધીશ અને ઇઝરાયલનું રાજ્ય તને આપીશ.
39હું દાઉદના વંશજોને સજા કરીશ, પણ કાયમ માટે નહિ કરું.’ ”
40તેથી સુલેમાને યરોબામને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે મિસરના રાજા શીશાક પાસે નાસી ગયો અને સુલેમાનના મૃત્યુ સુધી મિસરમાં જ રહ્યો.
41હવે સુલેમાન સંબંધિત બાકીની બાબતો, તેણે જે સર્વ કર્યું, તેનું જ્ઞાન એ બાબતો વિષે સુલેમાનના કૃત્યોનાં પુસ્તકમાં લખેલું નથી?
42સુલેમાને આખા ઇઝરાયલ પર યરુશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યું.
43સુલેમાન પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો દીકરો રહાબામ રાજા બન્યો.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.