ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

કરિંથીઓને પહેલો પત્ર 7

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું.
2પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે અને સ્ત્રીએ લગ્ન કરવું.
3પતિએ પોતાની પત્ની પ્રત્યે જવાબદારી નિભાવવી. અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યેની ફરજ બજાવવી.
4પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે; તેમ જ પતિને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે.
5એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે.
6પણ હું આ વાત તમને આજ્ઞા તરીકે નહિ પણ મરજિયાત રીતે કહું છું.
7મારી ઇચ્છા છે કે, તમે સર્વ માણસો મારા જેવા થાઓ. પણ ઈશ્વરે દરેકને પોતપોતાનું અંગત કૃપાદાન આપેલું છે, કોઈને એક પ્રકારનું તો કોઈને બીજા પ્રકારનું કૃપાદાન.
8પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે, ‘તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે.’ ”
9પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે. કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે.
10પણ લગ્ન કરેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે, કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ;
11પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યાં વિના રહેવું, નહીં તો પતિની સાથે સુલેહ કરીને રહેવું; પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહિ.
12હવે બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું કહું છું કે, જો કોઈ વિશ્વાસી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પતિએ તેનો ત્યાગ કરવો નહિ;
13કોઈ વિશ્વાસી પત્નીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહિ.
14કેમ કે અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયેલો છે, અવિશ્વાસી પત્નીએ વિશ્વાસી પતિથી પવિત્ર કરાયેલી છે; એવું ના હોત તો તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.
15પણ જો અવિશ્વાસી પુરુષ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો; એવા સંજોગોમાં કોઈ વિશ્વાસી ભાઈ કે બહેન બંધનમાં નથી; પણ ઈશ્વરે સૌને શાંતિમાં રહેવા સારુ તેડ્યાં છે.
16અરે સ્ત્રી, તું તારા પતિનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે? અરે પુરુષ, તું તારી પત્નીનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે?
17કેવળ જેમ ઈશ્વરે દરેકને વહેંચી આપ્યું છે અને જેમ પ્રભુએ દરેકને તેડ્યું છે, તેમ તે દરેકે ચાલવું; અને એ જ નિયમ હું સર્વ વિશ્વાસી સમુદાયો માટે ઠરાવું છું.
18શું કોઈ સુન્નતી તેડાયેલો છે? તો તેણે બેસુન્નતી જેવા ન થવું, શું કોઈ બેસુન્નતી તેડાયેલો છે? તો તેણે સુન્નતી જેવા થવું નહિ.
19સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે.
20દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય એ જ સ્થિતિમાં તે રહે.
21શું તને દાસ હોવા છતાં તેડવામાં આવ્યો છે? તો તે બાબતની ચિંતા ન કર; અને જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો જોઈએ.
22કેમ કે જે દાસને પ્રભુએ તેડયો છે તે હવે પ્રભુનો સ્વતંત્ર સેવક છે; અને એમ જ જે સ્વતંત્ર હોય તેને જો તેડવામાં આવ્યો હોય તો તે હવે ખ્રિસ્તનો દાસ છે.
23તમને મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવ્યા છે તેથી તમે માણસના દાસ ન થાઓ.
24ભાઈઓ, જે સ્થિતિમાં તમને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં દરેકે ઈશ્વરની સાથે રહેવું.
25હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી; પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું દયા પામ્યો છું, તેમ હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.
26તો મને એમ લાગે છે કે, હાલનાં સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે.
27શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ. શું તું પત્નીથી છૂટો થયેલો છે? તો હવે તું પત્નીની ઇચ્છા કરીશ નહિ.
28જો તું લગ્ન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી સ્ત્રી લગ્ન કરે તો તે પાપ કરતી નથી; જોકે લગ્ન કરવાથી જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પડશે પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઇચ્છું છું.
29ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય.
30રડનારા ન રડનારા જેવા થાય; અને હર્ષ કરનારા એવા આનંદથી દૂર રહેનારા જેવા થાય; વળી ખરીદનાર પોતાની પાસે કશું ન રાખનારા જેવા થાય;
31અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે.
32પણ તમે ચિંતા કરો નહિ, એવી મારી ઇચ્છા છે. જેણે લગ્ન કરેલાં નથી તે પ્રભુની વાતોમાં તલ્લીન રહે છે, કે પ્રભુને કેવી રીતે મહિમા આપવો;
33પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે, કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી.
34તેમ જ પરિણીતા તથા કુંવારીમાં પણ ભિન્નતા છે. જેમણે લગ્ન કરેલું નથી તે સ્ત્રીઓ પ્રભુની વાતોની કાળજી રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરિણીતા દુનિયાદારીની ચિંતા રાખે છે, કે પતિને કેવી રીતે ખુશ રાખવો.
35પણ હું તમારા પોતાના હિતને માટે તે કહું છું; કે જેથી તમે સંકટમાં આવી પાડો નહિ, પણ એ માટે કહું છું કે તમે યોગ્ય રીતે ચાલો તથા એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુની સેવા કરો.
36પણ જો કોઈને એવું લાગે કે પોતાના ઉત્કટ આવેગના લીધે તે પોતાની સગાઈ કરેલ કન્યા સાથે અયોગ્ય રીતે વર્તન કરે છે તો તેણે પોતાની ઇચ્છા મુજબ તેની સાથે લગ્ન કરવું. તેમ કરવું તે પાપ નથી.
37પણ જો તે લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે, તેને કોઈ મજબુરી ન હોય અને તે પોતાના આવેગ પર અંકુશ રાખી શકે તેમ હોય તો સારું થશે કે તે તેની સાથે લગ્ન ન કરે.
38એટલે જેની સાથે તેણે સગાઈ કરેલ છે તેની સાથે જે લગ્ન કરે છે તે સારું કરે છે, અને જે તેની સાથે લગ્ન ન કરવાનું પસંદ કરે છે તે વધારે સારો નિર્ણય કરે છે.
39પત્ની જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે; પણ જો તેનો પતિ મૃત્યુ પામ્યો હોય, તો જેને તે ઇચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં.
40પણ જો તે એકલી રહે, તો મારા ધાર્યા પ્રમાણે, તે વધારે આશીર્વાદિત થશે; મારી આ સલાહ ઈશ્વરના આત્મા તરફથી છે; એવું હું માનું છું.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.