ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 કાળવૃતાંત 23

ગુજરાતીમાં બાઇબલનો આ અધ્યાય વાંચો. Divine Threads નો ગુજરાતી અભ્યાસ ટૂંક સમયમાં આવશે.

1જયારે દાઉદ ઘણો વૃદ્ધ થયો. ત્યારે તેણે રાજપદેથી નિવૃત્તિ લીધી. અને તેણે તેના પુત્ર સુલેમાનને ઇઝરાયલ પર રાજા તરીકે નીમ્યો.
2દાઉદે ઇઝરાયલના સર્વ આગેવાનોને, યાજકોને અને લેવીઓને એકઠા કર્યા.
3ત્રીસ વર્ષના અને તેથી વધારે વય ધરાવતા લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની સંખ્યા આડત્રીસ હજાર થઈ.
4તેઓમાંના ચોવીસ હજારને ઈશ્વરના ભક્તિસ્થાનના કામની દેખરેખ સોંપવામાં આવી અને છ હજારને અમલદારો અને ન્યાયાધીશો તરીકે નીમ્યા.
5ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી.
6દાઉદે તેઓને; ગેર્શોન, કહાથ અને મરારી, એમ ત્રણ વિભાગમાં, લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા.
7ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.
8લાદાનના ત્રણ દીકરા: યહીએલ ઝેથામ અને યોએલ.
9શિમઈના ત્રણ દીકરા: શલોમોથ, હઝીએલ, હારાન. તેઓ લાદાનના કુળના મુખ્ય આગેવાનો હતા.
10શિમઈના ચાર દીકરા: યાહાથ, ઝીના, યેઉશ, અને બરિયા.
11યાહાથ જ્યેષ્ઠ હતો, તેની પછી બીજા ક્રમે ઝીઝાહ, પણ યેઉશ અને બરિયાને ઘણાં પુત્રો ન હતા, તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા.
12કહાથના ચાર દીકરા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
13આમ્રામના દીકરા : હારુન અને મૂસા. હારુન અને તેના વંશજોને; પરમપવિત્ર વસ્તુઓ અર્પવા, યહોવાહ આગળ ધૂપ બાળવા, તેમની સેવા કરવા અને તેમના નામે આશીર્વાદ આપવા માટે કાયમી ધોરણે, પસંદ કરવામાં આવ્યા હતા.
14પણ ઈશ્વરના સેવક મૂસાના સંદર્ભમાં, તેના દીકરાઓને, લેવીઓમાં ગણવામાં આવ્યા હતા.
15મૂસાના દીકરા: ગેર્શોમ અને એલિએઝેર.
16ગેર્શોમના વંશજોમાં શબુએલ, જ્યેષ્ઠ હતો.
17એલિએઝેરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા.
18યિસ્હારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.
19હેબ્રોનના દીકરા: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
20ઉઝિયેલના દીકરામાં જ્યેષ્ઠ મિખા અને બીજો યિશ્શિયા.
21મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા: એલાઝાર અને કીશ.
22એલાઝાર મૃત્યુ પામ્યો ત્યારે તેને એકપણ દીકરો નહોતો. તેને ફક્ત દીકરીઓ જ હતી. કીશના દીકરાઓએ તેઓની સાથે લગ્ન કર્યા.
23મુશીના ત્રણ દીકરા: માહલી, એદેર અને યેરેમોથ.
24તેઓ પોતાનાં કુટુંબો પ્રમાણે લેવીઓના દીકરા હતા. જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા. તેઓ વીસ તથા તેથી વધારે ઉંમરના હતા. તેઓ યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરતા હતા. તેઓ પોતાના કુટુંબોનાં મુખ્ય આગેવાનો હતા.
25દાઉદે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહે, તેમના લોકોને વિશ્રામ આપ્યો છે. તેઓ સર્વકાળ યરુશાલેમમાં નિવાસ કરશે.
26હવે લેવીઓને, પવિત્ર મંડપ અને તેની સેવાને સારુ સામગ્રી ઊંચકવાની જરૂર નહિ પડે.”
27દાઉદના અંતિમ શબ્દોથી, વીસ અને તેથી વધારે વર્ષની વયના લેવીપુત્રોની ગણતરી કરવામાં આવી હતી.
28તેઓનું કામ, યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાને સારુ હારુનના પુત્રોને મદદ કરવાનું હતું. તેઓએ આંગણાઓમાં, ઓરડાઓમાં, સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવાના કામમાં, હારુનપુત્રોને સહાયરૂપ થવાનું કામ કરવાનું હતું.
29ઈશ્વરને અર્પેલી રોટલી માટે, ખાદ્યાર્પણો માટેના લોટ માટે, ખમીર વગરની રોટલીના કે તવામાં શેકેલા કે તળેલા ખાદ્યાર્પણ માટે અને તમામ વસ્તુઓના તોલ અને માપ માટે પણ તેઓએ ધ્યાન રાખવાનું હતું.
30વળી તેઓએ દરરોજ સવારે યહોવાહનો આભાર માનવા અને સ્તુતિ કરવા માટે ઊભા રહેવાનું હતું. એ જ રીતે સાંજે પણ
31તથા યહોવાહની આગળ કાયમના ઠરાવેલા કાનૂન પ્રમાણે વિશ્રામવારે તથા ચંદ્રદર્શન અને નિયત તહેવારોને દિવસે ઠરાવેલી સંખ્યામાં યહોવાહને દહનીયાર્પણો અર્પણ કરવાની સેવામાં ઊભું રહેવાનું હતું.
32યહોવાહના સભાસ્થાનની સેવાને સારુ મુલાકાતમંડપની, પવિત્રસ્થાનની અને તેમના ભાઈઓ હારુનના પુત્રોની સંભાળ રાખવી એ તેઓની જવાબદારી હતી.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019 · The Indian Revised Version Holy Bible in the Gujarati language of India. Copyright © 2019 Bridge Connectivity Solutions. Contributor: Bridge Connectivity Solutions Pvt. Ltd. Original edition and license: eBible.org/guj2017. Licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 International (CC BY-SA 4.0). Presentation modifications: original HTML navigation, book introductions, editorial headings, notes and footnote popups excluded; whitespace and verse layout normalized. Biblical verse wording remains unchanged. The adapted Scripture presentation is shared under CC BY-SA 4.0. Source images are not included, and Bridge Connectivity Solutions does not necessarily endorse these presentation changes. Divine Threads નો ગુજરાતી બાઇબલ અભ્યાસ ટૂંક સમયમાં આવશે.